ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ૬ ડિસમ્બરથી શરૂ થનારી ચાર ટેસ્ટ મેચની સિરીઝ પહેલા ભારત માટે એક ખરાબ સમાચાર છે. સિડની ગ્રાઉન્ડ પર પ્રેક્ટિસ મેચના ત્રીજા દિવસે ભારતના દમદાર બેટ્સમેન પૃથ્વી શૉ ઈજાગ્રસ્ત થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે, ૧૯ વર્ષીય પૃથ્વીએ બેટિંગ કરતા ૬૬ રન ખડકી દીધા હતા. ફિલ્ડિંગ કરતી વખતે ડીપ મિડવિકેટ બાઉન્ડ્રી પર કેચ પકડવા જતા પૃથ્વીને ડાબા પગની એડીમાં ઈજા પહોંચી છે. ઓસ્ટ્રેલિયન બેટ્સમેન મેક્સ બ્રાયંટે લાંબો શોટ માર્યો હતો. જેને પકડવા માટે પૃથ્વીએ એડી-ચોટીનું જોર લગાવી દીધુ હતું. કેચ પકડવા જતા પોતે બાઉન્ડ્રી લાઈનની બહાર ન જતુ રહેવાય તે માટીની કોશિશ કરવા જતા તેઓ બાઉન્ડ્રી પર પડી ગયા. ભારતીય ટીમના ફીઝિયો પેટ્રિક ફરહાર્ટ અને અન્ય એક વ્યક્તિ તેમને ઉંચકીને ચેન્જિંગ રૂમ સુધી લઈ ગયા. ત્યારબાદ દુ:ખાવાથી કણસી રહેલા પૃથ્વીને એક્સ-રે માટે હોસ્પિટલ લઈ જવામા આવ્યા. આ અંગે બીસીસીઈએ ટ્વીટ કરીને જણાવ્યું કે, હાલમાં મેડિકલ ટીમ પૃથ્વી શૉની તપાસ કરી રહી છે.