પ્લાસ્ટીકનો ઓછો વપરાશ કરવાના અભિગમ સાથે નોર્થ ઈંગ્લેન્ડના બ્રેડફોર્ડના શિપલીમાં ‘ધ ક્રાફ્ટી ઈન્ડિયન’ નામનુ ભારતીય રેસ્ટોરન્ટ ચલાવતા અને 1960ના દાયકામાં યુકે સ્થાયી થયેલા પંજાબી પરિવારના પુત્ર હેરી ખિંડા ફરી એક વખત તેમના પિતા દ્વારા વાપરવામાં આવતા જૂના જમાનાના ટિફિન જેવુ જ સ્ટેનલેસ સ્ટીલનુ ટિફિન બૉક્સ ટેકઅવે માટે વાપરવાનુ શરૂ કર્યુ છે અને તે ગ્રાહકોમાં લોકપ્રિય પણ થયુ છે.

હેરી ખિંડાએ પીટીઆઈને જણાવ્યું હતું કે, ‘બિનઉપયોગી અને સિંગલ યુઝ પ્લાસ્ટિક કન્ટેનર તેમ જ કેરીઅર બેગનો ઉપયોગ બંધ કરવાની અમારી ઇચ્છાને પગલે આ પ્રેરણા મળી છે. ભારતીયો કુદરતી રીતે રોજિંદા જીવનના ભાગ રૂપે ઘણી વસ્તુઓનો ફરીથી ઉપયોગ કરે છે અને રિસાયકલ કરી રહ્યા છે. આ ટિફિનનો આઇડિયા મારા માતાપિતા પાસેથી આવ્યો છે. તેઓ 1960ના દાયકામાં યુકે આવ્યા ત્યારે તેમની સાથે ટિફિન લાવ્યા હતા અને કારખાનાઓમાં અને ફાઉન્ડ્રીમાં કામ કરવા જતા ત્યારે બપોરના ભોજન માટે અને રાત્રે ભોજન મૂકવા  ટિફિન વાપરતા જે હજૂ અમારી પાસે છે. જે તેનુ આયુષ્ય પણ દર્શાવે છે.‘’

તેમના ગ્રાહકોમાં આ ટિફીનના આઇડીયાને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. ગ્રાહકોને ટિફિન્સની ખરીદી પર 10 ટકાની છૂટ મળે છે. ઘણાં લોકો દર વખતે કરી ટેકઅવે કરવા આવે ત્યારે તે ટિફિન લઇને આવે છે. ખિંડાએ આ રેસ્ટોરંટની સ્થાપના 2008માં કરી હતી અને આશા છે કે ટિફિનનો આ ખ્યાલ તેમની અપીલમાં એક નવું પરિમાણ ઉમેરશે અને અન્ય રેસ્ટૉરન્ટ્સને પણ તેમાંથી પ્રેરણા મળશે.

(Picture Courtesy: @thecraftyindian)