સોશિયલ મીડિયા સાઈટ ફેસબૂકે ગયા સપ્તાહે નવી વૈશ્વિક ડિજિટલ (ક્રિપ્ટો) કરન્સીની જાહેરાત કરી હતી. ફેસબૂકે તેને લિબરા નામ આપ્યું છે. આ ચલણ (કરન્સી) ૨૦૨૦માં લૉન્ચ થશે. અત્યારે આખી દુનિયા ફિઝિકલ ચલણનો વપરાશ કરે છે. પરંતુ યુગ ડિજિટાઈઝેશનનો છે. દરેક વાતમાં ડિજિટલ ક્રાંતિ થઈ રહી છે એમ ચલણમાં પણ ક્રાંતિ થઈ રહી છે.
નામ પ્રમાણે આ કરન્સી ક્રિપ્ટ (સાંકેતિક) સ્વરૂપની હશે. એટલે કે તેની કોઈ ચલણી નોટ કે સિક્કા હોતા નથી. તેની લેવડ દેવડ પણ હાથોહાથ કરવાની થતી નથી. એ કરન્સી ડિજિટલ માધ્યમો (વિવિધ ગેજેટ્સ) દ્વારા એક વ્યક્તિથી બીજી વ્યક્તિ પાસે પહોંચે છે. થોડા વર્ષોથી બિટ કોઈન ક્રિપ્ટો કરન્સી તરીકે જાણીતા થયા છે. હવે ફેસબૂકે આ નવી ક્રાંતિમાં પદાર્પણ કર્યું છે.
ફેસબૂક સાથે દુનિયાની બીજી મોટી ૨૮ એવી કંપનીઓ આ પગલામાં જોડાયેલી છે, જે ટેકનોલોજી અને પેમેન્ટ સાથે સંકળાયેલી છે. આ કંપનીઓમાં માસ્ટર કાર્ડ, વિઝા, પે-પાલ, ઉબર વગેરેનો સમાવેશ થાય છે. આ કરન્સીનું નામ લિબ્રા નક્કી થયું છે અને તેની લેવડ-દેવડ કરવા માટેના વૉલેટનું નામ કેલિબ્રા હશે.
ફેસબૂક કેલિબ્રા નામે અલગ કંપની જ બનાવશે, જેનું કામ લેવડ-દેવડ કરવાનું રહેશે. અત્યારે જે કંપનીઓ ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમમાં સક્રિય છે, એવી ગૂગલ પે સહિતની કંપનીઓને ફેસબૂકના આ પગલાંથી ફટકો પડશે.
ફેસબૂકનું કહેવું છે કે અત્યારે વિશ્વમાં કરોડો લોકો બેન્કિંગ સગવડથી વંચિત છે. આ જિડિટલ કરન્સી દ્વારા સૌને ફેસબૂક નાણાકિય પ્લેટફોર્મ પર લાવવા માંગે છે. માટે તેનો ઉપયોગ પણ સરળ બની રહે એવો પ્રયાસ ફેસબૂક કરશે. કોઈ પણ વ્યક્તિ નક્કી થયેલી એપ કે ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા પૈસા અહીંથી તહીં મોકલી શકશે.
લિબ્રાને સ્થાનિક કરન્સી (ભારતમાં રૂપિયા) વડે ખરીદી પણ શકાશે. એ પછી જિટિલ વૉલેટમાં લિબ્રા હશે, તેમાંથી જરૂર મુજબ ખર્ચ કરી શકાશે. લિબ્રા પર ફેસબૂકનો એકનો કાબુ નહીં હોય. એ માટે વિવિધ કંપનીઓએ મળીને ધ લિબ્રા એસોસિએશન બનાવ્યું છે.
ક્રિપ્ટોકરન્સી એ સરકારની દખલગીરી અને બેન્કિંગ સિસ્ટમમાંથી મુક્તી અપાવે છે. એટલે કે કોઈ વ્યક્તિ બેન્ક કે સરકારની જાણ અને મહોતાજી વગર કરન્સીની હેરાફેરી કરી શકે છે. માટે ક્રિપ્ટોકરન્સીને આખા જગતની ફાઈનાન્સિયલ સિસ્ટમ સામે ખતરો પણ ગણવામાં આવે છે. સાથે સાથે એ પણ હકીકત છે કે ડિજિટલ જાણકારો કોઈનીય સાડાબારી વગર આવી ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ કરે છે.
જે રીતે શેરબજારમાં લોકો પૂરતી જાણકારી સિવાય પડતાં નથી એ રીતે ક્રિપ્ટોકરન્સી પણ સામાન્ય લોકો માટે અછૂત ક્ષેત્ર છે. ડિજિટલ અને ફાઈનાન્સિયલ બન્ને જાણકારી ધરાવતા લોકો સામાન્ય રીતે આ બિઝનેસમાં પડતાં હોય છે. જે રીતે નાણાની હેરાફેરીના એક્સચેન્જ હોય એમ ક્રિપ્ટોકરન્સી મેળવવા માટે પણ એક્સચેન્જ હોય છે.
ફેસબૂક આ કરન્સીની શરૂઆત કરશે પછી ફેસબૂકની માલિકીના વૉટ્સએપ, મેસેન્જર વગેરેમાં તેનો ઉપયોગ થઈ શકશે. શરૂઆતમાં કેટલુંક રોકાણ અને ક્રિપ્ટોકરન્સી મેળવવા માટે મહેનત કર્યા પછી જો કરન્સી મેળવવામાં સફળતા મળે તો વૈશ્વિક ધોરણે વિનામૂલ્યે (તથા બેન્ક અને સરકારની મદદ વગર) વેપાર કરી શકાશે.