ફ્રાંસનો એક સમયનો મોસ્ટ વોન્ટેડ આરોપી જેલમાંથી ત્રણ સશસ્ત્ર શખ્સોની મદદથી જેલમાંથી ફરાર થવામાં સફળ રહ્યો હતો. તેના સાથીદારોએ હેલિકોપ્ટરને જેલના આંગણમાં ઉતારી 46 વર્ષીય રેડૉઇન ફૈડને ભગાડી ગયા હતા. ફૈડને કોર્ટ દ્વારા લુંટ અને હત્યાના આરોપમાં 25 વર્ષની સજા ફટકારવામાં આવી હતી.
ફૈડ બીજી વખત જેલમાંથી અદ્ભૂત રીતે ભાગવામાં સફળ રહ્યો હતો. આ પહેલા 2013માં ફૈડ વિસ્ફોટકના મદદથી જેલના પાંચ દરવાજા તોડી અને ચાર વોર્ડનને બંધક બનાવી ભાગી છૂટ્યો હતો. પરંતુ દોઢ મહિનામાં જ તેને પકડી પાડવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર જેલ તોડવાની યોજના કેદીઓના મુલાકાત ખંડમાં બનાવવામા આવી હતી.સ્થાનિક મિડીયા દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે ફૈડનાં સાથીદારોએ ફ્લાઈટ સ્કુલના પાઈલોટને બંધક બનાવી વિમાન હાઈજેક કર્યું હતું.
ત્યારબાદ હેલિકોપ્ટરને 37 માઈલ દૂર ઉતારવામાં આવ્યું હતું અને પછી હેલિકોપ્ટરનો નાશ કરી તેના સાથીદારો ફૈડને કાળા રંગની રેનોલ્ટ કારમાં ભગાડી ગયા હતા.ફૈડને 2010માં રોકડ ટ્રાન્સપોર્ટ વાહનને રોકવા માટે અને એક મહિલા પોલીસની હત્યા કરવાના આરોપમાં 25 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. તેણે 2010માં એક પુસ્તક પ્રકાશિત કર્યું હતું, જેમાં દાવો કરાયો હતો કે તેણે ગુનાહની દુનિયા છોડી દીધી છે.