ફ્લિપકાર્ટના સહસ્થાપક સચિન બંસલે ઓલા કેબ કંપનીમાં 650 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. આમ હવે ઓલાને હરીફ ઉબેર સામે ટક્કર માટે મજબૂત ફંડ મળી ગયું છે. સચિન બંસલે વ્યક્તિગત રીતે ઓલામાં રોકાણ કર્યું છે અને ઓલામાં અત્યાર સુધીમાં આ સૌથી મોટુ રોકાણ છે તેમ કંપનીએ કહ્યું હતું.
જાન્યુઆરીમાં ઓલાએ સચિનને 150 કરોડ રૂપિયાના મૂલ્યના શેર ઈશ્યુ કર્યા હતા. J રાઉન્ડના ફંડિંગની સીરિઝ અંતર્ગત આ શેર ઈશ્યુ કરવામં આવ્યા છે.બિન્ની બંસલ સાતે એક દાયકા પહેલાં ફ્લિપકાર્ટની સ્થાપના કરનારા સચિન બંસલે ફ્લિપકાર્ટમાં વોલમાર્ટ દ્વારા 77 ટકા બહુમતી હિસ્સો ખરીદી લેવાયા બાદ તેમાંથી રાજીનામું આપી દીધું હતું. સચિને નવા રોકાણ અંગે કહ્યું હતું કે ઓલા ભારતની ઉજ્જવળ ભવિષ્ય દર્શાવતી કન્ઝ્યુમર બિઝનેસ કંપની છે, જેની ખાસ્સી અસર જોવા મળી રહી છે અને તે લાંબા ગાળે સફળ થશે. બેંગલુરુ સ્થિત કંપની ઓલાએ અગાઉ ચીનની ટેન્સેન્ટ હોલ્ડિંગ્સ અને સોફ્ટબેન્ક ગ્રુપ પાસેથી પણ 1.1 અબજ ડોલર મેળવ્યા છે. વધુ 1 અબજ ડોલર મેળવવાના ભાગરૂપે સચિન બંસલે કંપનીમાં 650 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. ઓલાએ આ ઉપરાંત જાહેરાત કરી છે કે તે વધુ 1 અબજ ડોલરનું ફંડ પણ એકત્ર કરશે. મતલબ કે કુલ બે અબજ ડોલરનું ફંડ મેળવશે. .
ઓલા સામે ભારતમાં અમેરિકાની મજબૂત હરીફ ઉબેર છે. આ ઉપરાંત તે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ તથા બ્રિટનમાં પણ તેની સેવા પૂરી પાડે છે. તે ફૂડપાંડા મારફતે લોકોને ફૂડ ડિલીવરી પણ પૂરી પાડે છે. ઓલાના સહસ્થાપક અને સીઈઓ ભાવીશ અગ્રવાલે કહ્યું હતું કે સચિને ઓલામાં રોકાણ કર્યું તેનાથી તેઓ ખૂબ જ રોમાંચિત થઈ ગયા છે.