અમેરિકા અને ભારતે બુધવારે સુરક્ષા અને બિન લશ્કરી પરમાણુ સહયોગને મજબૂત બનાવવા માટે અને ભારતમાં અમેરિકી ન્યૂક્લિયર પાવર પ્લાન્ટના નિર્માણ અંગેની સંમતિ સાધી છે. બંને દેશએ એક સંયુક્ત નિવદેન કરીને આ વાતની જાણકારી આપી હતી. વોશિંગ્ટનમાં ભારત અને અમેરિકા વચ્ચે બે દિવસીય ચર્ચાનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં જ વાતચીત દરમિયાન બન્ને દેશોએ એક ડ્રાફ્ટ પર સંમતિ દર્શાવી હતી.
બંને દેશ દ્વારા સંયુક્ત નિવદેનમાં જણાવવામાં આવ્યું હતું કે, અમે દ્વિપક્ષીય સુરક્ષા અને બિન લશ્કરી પરમાણુ સહયોગ મજબૂત બનાવવાની સાથે-સાથે ભારતમાં છ અમેરિકી ન્યૂક્લિયર પાવર પ્લાન્ટના નિર્માણ માટે પણ પ્રતિબદ્ધ છીએ.
જો કે બંને દેશે ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ અંગે કોઇપણ માહિતી આપી ન હતી. ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વમાં અમેરિકાને વિશ્વના ત્રીજા સૌથી મોટા તેલની આયાત કરનાર ભારતમાં તમામ સંભાવના દેખાઇ રહી છે અને તેઓ ભારતને વધુ ઉર્જા ઉત્પાદન વેચવા માંગે છે. ભારત અને અમેરિકા વચ્ચે થયેલી વાતચીત માટે ભારત તરફથી વિદેશ સચિવ વિજય ગોખલે અને અમેરિકાના સ્ટેટ ફોર આર્મ્સ કન્ટ્રોલ એન્ડ ઇન્ટરનેશનલ સિક્યોરિટી વિભાગના અંડર સેક્રેટરી એન્ડ્રિયા થોમ્પસન હાજર રહ્યા હતા.