કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ દ્વારા બજેટ રજૂ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બજેટ પર પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે આ બજેટમાં દરેકનું ધ્યાન રાખવામાં આવ્યું છે. આ બજેટથી બધા વર્ગને રાહત આપવાનો પ્રયાસ કરાયો છે. 12 કરોડથી વધુ ખેડૂતોને, 3 કરોડથી વધુ મધ્યમ વર્ગના ટેક્સપેયર્સને અને 30-40 કરોડ અસંગઠિત ક્ષેત્રના કર્મચારીઓને તેનો સીધો લાભ મળશે.
ગરીબી ઝડપથી ઓછી થઈ રહી છે. વધી રહેલા મિડલ ક્લાસની આશા-આકાંક્ષાને બળ મળે તે માટે સરકારે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. હું સેલેરાઇડ અને મિડલ ક્લાસ માટે ટેક્સમાં મળેલી છૂટ માટે શુભેચ્છા પાઠવું છું. લાંબા સમયથી આ માંગ હતી કે પાંચ લાખ રૂપિયા સુધીની આવકને કર મુક્ત કરવામાં આવે. પ્રધાનમંત્રી ખેડૂત સન્માન નિધિનો લાભ 12 કરોડથી વધુ તે ખેડૂતોને મળશે જેમની પાસે 5 એકર અથવા 5 એકરથી ઓછી જમીન છે.
અસંગઠિત ક્ષેત્રના મજદૂરોની, લારી ચલાવનારા લોકોની, ઘરના સહાયકો વગેરેની ચિંતા ક્યારેય કરવામાં આવી નથી, તેમને તેમના નસીબ પર છોડવામાં આવ્યા. તેમની સંખ્યા લગભગ 40-42 કરોડ છે. તેમના માટે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના અમારી સરકાર લાવી છે તેમ મોદીએ જણાવ્યું હતું. રાષ્ટ્રીય કામધેનુ આયોગ અને મતસ્ય ઉદ્યોગ પાલનનું અલગ ડિપાર્ટમેન્ટ ખેડૂતોને ફાયદો અપાવશે.
તેમણે વધુમાં જણાવ્યું કે આ બજેટ ગરીબોને શક્તિ આપશે, ખેડૂતોને મજબૂતી આપશે, શ્રમિકોને સન્માન આપશે, મધ્યમ વર્ગના સ્વપ્નોને સાકાર કરશે, ઈમાનદાર ટેક્સપેયર્સનું ગૌરવ ગાન કરશે, ટ્રેડર્સને સશક્ત કરશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણને ગતિ આપશે, અર્થવ્યવસ્થાને નવું બળ મળશે, દેશનો વિશ્વાસ મજબૂત કરશે. આ બજેટ ન્યૂ ઇન્ડિયાના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે દેશના 130 કરોડ લોકોને નવી શક્તિ આપશે. આ બજેટ સર્વવ્યાપી, સર્વસ્પર્શી, સર્વસમાવેશી છે, સર્વોત્કર્ષને સમર્પિત છે.