નૈના (તાપસી પન્નુ) પર અર્જુન (ટોની લ્યુક)ની હત્યા કરવાનો આરોપ છે. તેનો વકીલ (માનવ કૌલ) સિનિયર એડવોકેટ બાદલ ગુપ્તા (અમિતાભ બચ્ચન)ની આ કેસ સોલ્વ કરવામાં મદદ માંગે છે. આ સમયગાળામાં નૈના અમુક એવા ખુલાસા કરે છે જે આ મર્ડર મિસ્ટ્રીમાં તમારા શ્વાસ અધ્ધર કરી દેશે.બદલો હંમેશા ગણતરીપૂર્વક અને સમજી વિચારીને લેવો જોઈએ. રિવેન્જ સ્ટોરી હંમેશાથી હિન્દી ફિલ્મોનો ફેવરિટ વિષય રહ્યો છે પરંતુ દર્શકોના દિલ જીતવા માટે તેને સ્માર્ટ રીતે બનાવવી જરૂરી છે. ડિરેક્ટર સુજોય ઘોષની આ ફિલ્મ સોલિડ થ્રિલિંગ છે અને તેમાં તમને જકડીને રાખે તેવા ટ્વિસ્ટ અને ટર્ન છે. તેમાં તમે સતત હવે આગળ શું થશે તે ધારતા જ રહી જશો.

આ ફિલ્મ સ્પેનિશ ફિલ્મ ધ ઈનવિઝિબલ ગેસ્ટ ડઝ નોટ મેટર ટૂ મચની રિમેક છે. અમિતાભ બચ્ચન અને તાપસી પન્નુએ તેમાં જબરદસ્ત પરફોર્મન્સ આપ્યું છે. ડિરેક્ટર ઘોષે તેમાં નાની બાબતો પણ ચૂકી ન જવાય તેની ખાસ તકેદારી રાખી છે. તેમની ટીમે એટલું સરસ કામ કર્યું છે કે ફિલ્મની મિનિટે મિનિટ તમને ફિલ્મ સાથે જકડી રાખશે.મોટા ભાગની ફિલ્મ નૈના અને બાદલ આ બે પાત્ર પર આધારિત છે. બંને અર્જુનનું મર્ડર કેવી રીતે થયું તે વાતચીતથી સમજવાની કોશિશ કરે છે. આ ફિલ્મમાં ડાયલોગ્સ મહત્વના છે. તેના થકી જ તમને ફિલ્મ વિષે વધુ જાણવા મળશે. સાદી ભાષામાં બદલા એ આરોપી અને તેના વકીલ વચ્ચેની વાતચીત છે. આ બંને પાત્ર સચ્ચાઈ છુપાવીને રાખે છે અને એટલે જ આ ફિલ્મ ધીમે ધીમે વધુ રસપ્રદ થતી જાય છે.

ઘોષ અને તેના કો-રાઈટર રાજ વસંતે મહાભારતમાંથી ઘણા રેફરન્સ લીધા છે. અમુક ડાયલોગ્સ રીપીટ થતા હોય તેવું લાગે છે પણ પાત્રોના ઈમોશન્સ સારી રીતે ઝીલાયા છે અને ફિલ્મના અંતે સિચ્યુએશન એકદમ સ્પષ્ટ થઈ જાય છે. પરંતુ અવારનવાર આવતા ફ્લેશબેકને કારણે ફિલ્મ થોડી થકવી નાંખનારી બની જાય છે.આ ફિલ્મમાં તાપસી અને અમિતાભ બચ્ચનની કેમિસ્ટ્રી જોરદાર છે. પિંકમાં પણ બંને વચ્ચે આરોપી અને વકીલનો સંબબંધ જોવા મળ્યો હતો પરંતુ બદલામાં બંને નવા અવતારમાં જોવા મળે છે. તાપસીના પાત્રમાં ઘણા શેડ્સ છે અને ધીમે ધીમે તે દર્શકોને જોવા મળશે. એક્ટ્રેસે પોતાના પાત્રને ખૂબ સરસ રીતે ન્યાય આપ્યો છે.

બચ્ચનનો રોલ તાપસીની સરખામણીએ સરળ છે પણ તેમણે પોતાની આગવી છટાથી વકીલનું પાત્ર બખૂબી નિભાવ્યું છે. બદલામાં કહાનીની સરખામણીએ વધારે લેયર્સ છે પરંતુ આ પ્રકારની ફિલ્મો બનાવવામાં તેમની ફાવટ ઘણી સારી છે. અવિક મુખોપાધ્યાયની સિનેમેટોગ્રાફી વખાણવા લાયક છે. મોનિશા બાલદવાનું એડિટિંગ અને ક્લિન્ટન કેરેજોનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ ફિલ્મને ચાર ચાંદ આપે તેવા છે. ફિલ્મનો સ્ક્રીન પ્લે પ્રેડિક્ટેબલ છે જેને કારણે તેની થ્રિલ થોડી ઘટી જાય છે પણ સમયાંતરે ટ્વીસ્ટ અને ટર્ન આવતા રહે છે. થ્રિલર ફિલ્મના શોખીનોને આ ફિલ્મ જોવાની મજા પડશે.