પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં સોમવારે રાત્રે રિમોટ કંટ્રોલ સંચાલિત પ્રચંડ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. મસ્જિદ નજીક કરાયેલા આ બોમ્બ બ્લાસ્ટમાં પોલીસ ચાર જવાનના મોત થયા હતા તેમજ 11 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા હતા. પાકિસ્તાનમાં છેલ્લા ત્રણ દિવસમાં આ બીજો મોટો હુમલો નોંધાયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ સોમવારે રાત્રે ક્વેટા ખાતે સેટેલાઈટ પરા વિસ્તારમાં બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. મસ્જિદમાં નમાજ પઢવા આવેલા લોકોને પોલીસની ગાડી સુરક્ષા પૂરી પાડવા પહોંચી તે જ સમયે આ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો.
ક્વેટાના ડીઆઈજી રઝાક ચીમાના જણાવ્યા મુજબ ‘મસ્જિદની સુરક્ષા માટે આવેલા પોલીસ જવાનોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ પ્રચંડ બ્લાસ્ટમાં ચાર પોલીસ જવાનોએ જીવ ગુમાવ્યો છે, જ્યારે અન્ય કેટલાક ગંભીર હોવાનું જણાયું છે.’ બલુચિસ્તાનમાં છેલ્લા ત્રણ દિવસમાં આ ત્રીજો મોટો આતંકવાદી હુમલો છે.

શનિવારે ભારે દારુગોળા સાથે આતંકવાદીઓએ પાકિસ્તાનના બંદર શહેર ગ્વાદર ખાતે એક નેવી જવાન સહિત પાંચને ઠાર કર્યા હતા. આ હુમલામાં ત્રણ આતંકવાદીના મોત થયા હતા. સોમવારે રાત્રે મસ્જિદ નજીક કરાયેલા હુમલામાં આઇઈડી સાથેનું મોટરસાઈકલ અજાણ્યા શખ્સે પોલીસ વાન નજીક પાર્ક કર્યું હતું. ત્યારબાદ રિમોટ કંટ્રોલ વડે બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. ઘટનાસ્થળે એક પોલીસ જવાનનું મોત થયું હતું તેમજ ગંભીર રીતે ઘવાયેલા ત્રણ પોલીસકર્મીઓના હોસ્પિટલમાં મોત નિપજ્યા હતા.

બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે આસપાસના મકાનોની બારીઓના ફુરચે ફુરચા ઉડી ગયા હતા, જોકે બ્લાસ્ટથી મસ્જિદને કોઈ નુકસાન પહોંચ્યું ન હતું. સુરક્ષાકર્મીઓએ તાત્કાલિક સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો અને હુમલાખોરોને ઝડપી લેવા ઓપરેશન હાથ ધર્યું હતું. એક અહેવાલ મુજબ પાકિસ્તાનના પ્રતિબંધિત સંગઠન તહેરીક-એ-તાલિબાને આ બ્લાસ્ટની જવાબદારી સ્વીકારી હતી. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ક્વેટામાં થયેલા બ્લાસ્ટની કડક શબ્દોમાં નિંદા કરી હતી તેમજ બ્લાસ્ટ અંગે વિસ્તૃત અહેવાલ તૈયાર કરવા આદેશ આપ્યો હતો. ઈમરાન ખાને જણાવ્યું હતું કે, જે લોકો રમઝાનના પવિત્ર માસમાં આવુ કૃત્ય કરે છે તેમનો કોઈ ધર્મ હોતો નથી.