રોહિત શર્માની સદીની સહાયથી ભારતે મંગળવારે રમાયેલી મેચમાં બાંગ્લાદેશને 28 રનથી હરાવીને આઇસીસી વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. આ સાથે બાંગ્લાદેશ ટુર્નામેન્ટમાંથી આઉટ થઈ ગયું હતું. જોકે ભારતને આ વિજય માટે સંઘર્ષ કરવો પડ્યો હતો પરંતુ બોલર્સે લાજ રાખી હતી. અંતિમ ઓવર્સમાં જસપ્રિત બુમરાહ ત્રાટક્યો હતો અને તેણે ઉપરા ઉપરી વિકેટો ખેરવતાં ભારતનો માર્ગ આસાન થઈ ગયો હતો.

એજબસ્ટન ખાતે રમાયેલી મેચમાં રોહિત શર્માની સદી ભારતીય બેટિંગનું આકર્ષણ બની રહી હતી. આ વર્લ્ડ કપમાં પોતાની ચોથી સદી અને સળંગ બીજી મેચમાં સદી નોંધાવીને રોહિતે ભારતના જંગી સ્કોરનો પાયો નાખ્યો હતો. તેણે રાહુલ સાથે મળીને 180 રનની ભાગીદારી નોંધાવી હતી પરંતુ ત્યાર બાદ ટીમે નિયમિત અંતરે વિકેટો ગુમાવી હતી જેને કારણે એક સમયે 370 રનના સ્કોરની અપેક્ષા રખાતી હતી તેને બદલે ભારત માંડ 314 રન કરી શક્યું હતું.

રોહિત શર્માએ કારકિર્દીની 26મી સદી ફટકારતાં 104 રન નોંધાવ્યા હતા જ્યારે લોકેશ રાહુલે 77 રન ફટકાર્યા હતા. રોહિતે આ સાથે વર્તમાન ટુર્નામેન્ટમાં 500 રન પૂરા કર્યા હતા અને મોખરે પહોંચી ગયો હતો.

બાંગ્લાદેશે પણ સારી લડત આપી હતી. સાકીબ હસને તેનું ફોર્મ જાળવી રાખતી અડધી સદી ફટકારી હતી પરંતુ તેનો પ્રયાસ ભારતીય બોલર્સે નિષ્ફળ બનાવી દીધો હતો.