ભારતના પ્રવાસે ગયેલી ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના બે ટી-20 તથા પાંચ વન-ડે ઈન્ટરનેશનલ્સની સીરીઝમાં બે ટી-20 મેચમાં પરાજય પછી મંગળવાર(પ માર્ચ) નાગપુરમાં રમાયેલી બીજી વન-ડે ઇન્‍ટરનેશનલ મેચમાં ભારતનો ૮ રને રોમાંચક ‌વિજય થયો હતો. ભારતે પ્રથમ બે‌ટિંગ કરતાં ૪૮.ર ઓવરમાં રપ૦ રને ઓલઆઉટ થયું હતું. કેપ્‍ટન ‌વિરાટ કોહલીએ ૧૧૬ રન કરીને પોતાની ૪૦મી સદી ફટકારી હતી. જ્યારે ‌વિજયશંકરે ૪૬ રનનું યોગદાન આપ્‍યું હતું. અને તેણે ઓસ્‍ટ્રે‌લિયાની અં‌તિમ બે ‌વિકેટ લઇને ‌વિજય અપાવ્‍યો હતો.
શનિવારે (2 માર્ચ) હૈદ્રાબાદમાં રમાયેલી પ્રથમ વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં ભારતનો છે વિકેટે વિજય થયો હતો. ભારતીય બોલર્સે સારો દેખાવ કરી પ્રવાસી ટીમને 236 રન જ કરવા દીધા હતા. અને શરૂઆત ખાસ સારી નહીં રહી હોવા છતાં, એ પછી વધુ ત્રણ વિકેટ નિયમિત સમયાંતરે ગુમાવ્યા છતાં કેદાર જાધવ અને ધોનીએ પાંચમી વિકેટની અણનમ ભાગીદારીમાં 141 રન કરી ટીમને વિજેતા બનાવી હતી. જાધવે 81 અને ધોનીએ 59 કર્યા હતા. આ પહેલા ત્યાં રમાયેલી બે મેચમાં પ્રવાસીઓનો જ વિજય થયો હતો. કેદાર જાધવને તેની શાનદાર બેટીંગ ઉપરાંત 31 રનમાં એક વિકેટ બદલ મેન ઓફ ધી મેચ જાહેર કરાયો હતો. તેના 87 બોલમાં અણનમ 81 રનમાં 9 ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થતો હતો. ધોનીએ 72 બોલમાં અણનમ 59 કર્યા હતા, જેમાં 6 ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થતો હતો.
રોહિત શર્મા અને વિરાટ કોહલીએ બીજી વિકેટની ભાગીદારીમાં 76 રન ઉમેર્યા હતા.
શમીએ માત્ર ૪૪ રનમાં બે વિકેટ ઝડપી હતી, જેમાં ટર્નર (૨૧) અને મેક્સવેલ (૪૦)ની મહત્વની વિકેટનો સમાવેશ થાય છે. જસપ્રીત બુમરાહે પણ બે વિકેટ ખેરવી હતી, જ્યારે કુલદીપ યાદવ, રવીન્દ્ર જાડેજા અને જાધવે એક-એક વિકેટ ઝડપી હતી.
બીજી ટી-20માં પણ ભારત હાર્યું, શ્રેણી 0-2થી ગુમાવીઃ એ અગાઉ બુધવારે બેંગલુરુમાં રમાયેલી બીજી અને છેલ્લી ટી-20 મેચમાં પણ ભારતનો સાત વિકેટે પરાજય થયો હતો. આ રીતે, સીરીઝ ભારત 0-2થી હારી ગયું હતું.
આ મેચમાં ભારતે 191 રનનો પડકારજનક સ્કોર ખડકી દીધો હતો પણ બેંગલુરુની વિકેટ ઉપર ભારતીય બોલર્સ સાવ પ્રભાવ વિનાના જણાયા હતા અને ગ્લેન મેક્સવેલે અણનમ સદી સાથે 200થી વધુના સ્ટ્રાઈક રેટે 55 બોલમાં 9 છગ્ગા અને 7 ચોગ્ગાની આતશબાજી સાથે 113 રન કરી વિજયમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ઓસ્ટ્રેલિયાની શરૂઆત જો કે નબળી રહી હતી અને 22 રનમાં તો બે વિકેટ ગુમાવી દીધી હતી. એ પછી જો કે શોર્ટ અને મેક્સવેલે લડત આપી હતી. શોર્ટની વિકેટ પછી મેક્સવેલ અને હેન્ડસ્કોમ્બે ૯૯ રનની અણનમ ભાગીદારી સાથે ટીમને વિજયી બનાવી હતી. તે પહેલા, કોહલી અને ધોનીની જોડીએ આખરી ઓવરોમાં તોફાની બેટીંગ કરી ભારતનો સ્કોર પડકારજનક સ્તરે પહોંચાડી દીધો હતો. ભારત સારી શરૂઆત પછી પણ દબાણ હેઠળ આવી ગયું હતુ. ૧૭મી ઓવરના અંતે સ્કોર ત્રણ વિકેટે ૧૩૮ રન હતો. એ પછી કોહલી અને ધોનીએ આખરી ઓવરોમાં ઝંઝાવાતી બેટીંગ કરી છેલ્લી ત્રણ ઓવરમાં ૫૨ રન ખડકી દીધા હતા, જેમાં ચાર છગ્ગા અને ચાર ચોગ્ગાનો સમાવેશ હતાે.