બેફામ તબીબી ખર્ચને કારણે ૫૫૦ લાખ ભારતીયો એટલે કે દક્ષિણ કોરિયા, સ્પેન કે કેન્યાની વસતી જેટલા ભારતીયો ગરીબીમાં ધકેલાઈ ગયા હતા. ૫૫૦ લાખ લોકોમાંથી ૩૮૦ લાખ લોકો ફક્ત દવા પાછળના ખર્ચમાં જ પિસાયા છે એમ નવા અભ્યાસમાં જણાયું છે. આ હેવાલના આધારે દેશની ગરીબી રેખાના ધારાધોરણ નક્કી થાય છે. દેશમાં ગરીબી રેખાની વ્યાખ્યા મુજબ ગ્રામીણ વિસ્તારમાં મહિનાનો ખર્ચ ૮૧૬ રૂપિયા અને શહેરી વિસ્તારમાં ૧,૦૦૦ રૂપિયાથી ઓછો ખર્ચ કરી શકે તેઓ ગરીબી રેખાની નીચે ગણાય છે. અભ્યાસમાં નેશનલ સેમ્પલ સરવેના હેવાલો અને અન્ય સૂત્રોના અંદાજના સેકન્ડરી ડેટાનો ઉપયોગ થયો છે. ૨૦૧૧-૧૨ના વર્ષના આંકડા જોતાં હેલ્થકેર પાછળના ગજાબહારના ખર્ચામાં ૬૭ ટકાથી વધુ ખર્ચ તો દવા પાછળ જ થતો હોય છે. દર મહિને તબીબી ખર્ચમાં ૧૦૦ ટકા જેટલો વધારો જોવા મળે છે. ૧૯૯૩-૯૪માં એ ખર્ચ ૨૬ રૂપિયા હતો, જે ૨૦૧૧-૨૦૧૨માં ૫૪ રૂપિયા થયો છે.૧૮ મે ૨૦૧૭ના રોજ ઈન્ડિયાસ્પેન્ડના હેવાલ મુજબ BRICS દેશોમાંથી ભારત સૌથી ઓછો ખર્ચ જાહેર આરોગ્ય પાછળ કરે છે. ૧૮૪ દેશોની યાદીમાં ભારત ૧૪૭મા ક્રમે છે, જે પાકિસ્તાન કરતાં પણ નીચા ક્રમે છે. વીમા આધારિત સરકારી પગલાં પણ નાગરિકો પરનો બોજો ઘટાડવામાં અસફળ રહ્યાનું પણ રિપોર્ટમાં જણાવાયું છે.