નવી દિલ્હીમાં શુક્રવારે 66મા નેશનલ એવોર્ડ વિજેતાના નામ જાહેર કરવામાં આવ્યા છે.  જેમાં વર્ષ 2018માં પ્રદર્શિત થયેલી બે ગુજરાતી ફિલ્મોનો પણ સમાવેશ થાય છે. જાણીતી ગુજરાતી ફિલ્મ ‘રેવા’ને શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ મળ્યો છે.

જાણીતા લેખક ધ્રુવ ભટ્ટની ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડથી સમ્માનિત નવલકથા ‘તત્વમસિ’ પરથી રેવા ફિલ્મનું નિર્માણ થયું છે. આ નવલકથામાં નર્મદા નદી તથા તેની આસપાસનાં જંગલ, ત્યાં વસતા આદિવાસી પ્રજાજનો, નદીકાંઠા પરના આશ્રમ તથા આશ્રમવાસીની વાત આલેખવામાં આવી છે. આ ઉપરાંત સ્પેશિયલ જ્યૂરી એવોર્ડ અને શ્રેષ્ઠ ફિચર ફિલ્મ એવોર્ડ માટે ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ની પસંદગી થઇ છે.

જ્યારે પદ્માવત ફિલ્મ માટે સંજય લીલા ભણશાળીને શ્રેષ્ઠ સંગીત દિગ્દર્શકનો એવોર્ડ પ્રાપ્ત થયો છે. આ એવોર્ડમાં ફીચર ફિલ્મ કેટેગરીમાં 31 એવોર્ડ અને નોન ફીચર ફિલ્મ કેટેગરીમાં 23 એવોર્ડ એનાયત થાય છે.
એવોર્ડ નિર્ણાયક સમિતિના ચેરમેન રાહુલ રવૈલ છે, જ્યારે નોન ફીચર ફિલ્મ સમિતિના ચેરમેન એ એસ કનલ છે.

શ્રેષ્ઠ અભિનેતા પુરસ્કાર માટે આયુષ્માન ખુરાના તથા વિકી કૌશલની પસંદગી થઇ છે. સામાન્ય રીતે દર વર્ષે એપ્રિલમાં નેશનલ એવોર્ડ વિજેતાના નામ જાહેર થાય છે. જોકે, આ વર્ષે એપ્રિલમાં લોકસભાની ચૂંટણીને કારણે આદર્શ આચારસંહિતા અમલમાં હોવાથી ત્યારે નામ જાહેર કરી શકાયા નહોતા.