યુકેની સત્તાધારી કોન્ઝર્વેટીવ પાર્ટીના સભ્યોએ બોરિસ જ્હોનસનને દેશના આગામી વડાપ્રધાન તરીકે બહુમતીથી ચૂંટ્યા છે. આજે સવારે 11.50 કલાકે જાહેર કરાયેલા પરિણામો મુજબ બોરિસ જ્હોનસનને 92,153 મત મળ્યા હતા, જ્યારે તેમના હરીફ, વિદેશ પ્રધાન જેરેમી હંટને 46,656 મત મળ્યા હતા.

વડાંપ્રધાન થેરેસા મે આવતીકાલે (બુધવાર, 24 જુલાઈ) બકિંગહામ પેલેસ ખાતે ક્વીન એલિઝાબેથ બીજાની મુલાકાત લઈ પોતાનું પદ છોડશે. એ પછી બોરિસ જ્હોનસન વડાપ્રધાનના સત્તાવાર નિવાસસ્થાને – 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે પહોંચશે.

દેશના સૌથી ફલેમબોયન્ટ નેતા અને બ્રેક્ઝિટના પ્રખર સમર્થકોમાંના એક, બોરિસ જ્હોનસન માટે આ જંગી વિજય રહ્યો છે. બોરિસે યુકેના લોકોને તેમજ પાર્ટીને ખાતરી આપી હતી કે, પોતે વડાપ્રધાનપદે ચૂંટાશે તો એ બાબતની ખાતરી કરશે કે બ્રિટન કોઈપણ સંજોગોમાં 31 ઓક્ટોબરે યુરોપિયન યુનિયનથી અલગ થઈ જ જશે.

બોરિસ જ્હોનસનના વિજય પછી હવે યુકે અને યુરોપિયન યુનિયન પોતાના હાલના વલણમાં બાંધછોડ નહીં કરે તો વેપાર સહિતના અનેક મુદ્દે સમસ્યાઓ સર્જાશે, જ્યારે બીજી તરફે બ્રિટનમાં પણ બંધારણિય કટોકટી સર્જાય તેવી શક્યતા છે, કારણ કે એક તરફ બોરિસ જ્હોનસન યુરોપિયન યુનિયન સાથે છુટાછેડા મુદ્દે કોઈ સમજુતી ના થાય તો પણ, અલગ પડવા મક્કમ છે ત્યારે બીજી તરફ બ્રિટનની સંસદમાં પણ બહુમતી સભ્યો એવો નિર્ધાર કરી ચૂક્યા છે કે ‘નો ડીલ બ્રેક્ઝિટ’નો પ્રયાસ કરે તેવી કોઈપણ સરકારને તેઓ હરાવી દઈ તેને બરતરફ કરશે.