પ્રસિદ્ધ અભિનેત્રી વિદ્યા સિંહાનું મુંબઇમાં ટૂંકી માંદગી બાદ 71 વર્ષની વયે અવસાન થયું હતું. ફિલ્મ નિર્માતા મોહન સિંહાના જમાઇ અને પોતે પણ ફિલ્મ સર્જક એવા પ્રતાપ એ રાણાની પુત્રી એવી વિદ્યાએ 18 વર્ષની ઉંમરે મિસ બોમ્બેનું ટાઇટલ મેળવ્યા બાદ મોડેલિંગ શરૂ કર્યું હતું. વિવિધ બ્રાન્ડ્સ માટે મોડેલિંગ કર્યા બાદ એ બાસુ ચેટરજીની નજરે ચડી હતી અને બાસુએ એને પહેલીવાર રાજા કાકા ફિલ્મમાં કિરણ કુમાર સાથે ચમકાવી હતી. જો કે એને ખરો યશ રજનીગંધા ફિલ્મથી મળ્યો હતો. આ ફિલ્મ પણ નાનકડા બજેટની હતી અને બાસુદાએજ બનાવી હતી. આ ફિલ્મ હિટ નીવડતાં એેને બીજી હિટ ફિલ્મ છોટી સી બાત મળી હતી. ત્યારબાદ તો વિદ્યાએ ઘણા ટોચના સમકાલીન કલાકારો સાથે કામ કર્યું હતું જેમાં રાજેશ ખન્ના અને શબાના આઝમી સાથે કર્મ(1977), સંજીવકુમાર અને શશી કપૂર સાથે મુક્તિ અને વિનેાદ ખન્ના સાથે ઇનકાર તથા ફરી એકવાર સંજીવ કુમાર સાથે પતિ પત્ની ઔર વો ફિલ્મ કરી હતી. એણે વધુમાં વધુ ત્રીસેક ફિલ્મો કરી હતી.