બૉલીવૂડમાં પોલીસના પાત્ર પર ફિલ્મો બનાવવી એ ઓલટાઈમ ફેવરિટ અને એવરગ્રીન વિષય રહ્યો છે. તાજેતરનાં વર્ષોમાં આવેલી કોપ ફિલ્મો જોઈએ તો દબંગ સિરીઝની બે ફિલ્મો (૨૦૧૦), સિંઘમ (૨૦૧૧), રાઉડી રાઠોડ (૨૦૧૨)એ પુરવાર કરી દીધું છે કે આવા ઍક્શનપેક્ડ કોપ ડ્રામા બૉક્સઑફિસ છલકાવી દે છે. પણ અહીં આપણે વાત કરવાની છે મહિલા પોલીસ પાત્રોની.
અભિનેતાઓ ઘણા છે, જેમણે પોલીસની ભૂમિકા ભજવી છે, પણ આમાં બોલીવૂડની અભિનેત્રીઓ ક્યાં છે? બોલીવૂડમાં બહુ ઓછી અભિનેત્રીઓ છે, જેમણે મહિલા પોલીસનાં પાત્રો ભજવ્યા હોય. અગાઉના સમયમાં કેટલીક એવી ફિલ્મો આવી હતી, જેમાં અભિનેત્રીઓએ પોલીસની ભૂમિકા ભજવી હતી, જેમાં હેમા માલિનીએ ‘ઝખમી ઔરત’ (૧૯૮૮), ડિમ્પલ કાપડિયાએ ‘અંધા કાનૂન’ (૧૯૮૩), રેખાએ ‘ફૂલ બને અંગારે’ (૧૯૯૧)માં મુખ્ય ભૂમિકાઓ ભજવી હતી. જોકે, હિન્દી ફિલ્મોમાં મહિલા પોલીસની ભૂમિકાઓને બહુ ઓછું મહત્ત્વ આપવામાં આવે છે.
આપણે માધુરી દીક્ષિત નેનેને પણ ‘ખલનાયક’ (૧૯૯૩)માં અંડરકવર કોપની ભૂમિકામાં જોઈ હતી. ઉપરાંત સુસ્મિતા સેને પણ ‘સમય: વ્હેન ટાઈમ સ્ટ્રાઈક્સ’ (૨૦૦૩) અને બિપાશા બાસુ સિંઘ ગ્રોવરે ‘ધૂમ ટૂ’ (૨૦૦૬)માં પોલીસની ભૂમિકાને નિભાવી હતી. તે સમયે મહિલા કલાકારોને પોલીસના લીડ રોલમાં કાસ્ટ નહોતી કરવામાં આવતી, પણ ૨૦૧૪માં રાની મુખરજીએ ‘મરદાની’માં પોલીસની મુખ્ય ભૂમિકા ભજવીને તે શિરસ્તો તોડી નાખ્યો અને સાબિત કર્યું કે મહિલા કલાકારો પણ પોલીસની ભૂમિકાને મુખ્ય રોલમાં આસાનીથી નિભાવી શકે છે. તે પછી આવી ‘દૃશ્યમ્’ (૨૦૧૫) જેમાં તબુએ પોલીસ ઈન્સ્પેક્ટરની ભૂમિકા બખૂબી નિભાવી હતી. તે પછી પ્રિયંકા ચોપરાએ પણ આવી ભૂમિકા નિભાવવાની હિંમત કરી. ૨૦૧૬માં આવેલી ‘જય ગંગાજલ’ ફિલ્મમાં તેણે પોતાનું જોર બતાવ્યું હતું.
પ્રકાશ ઝાએ પણ ૨૦૦૩માં અજય દેવગણને લઈને ‘ગંગાજલ’ બનાવી હતી અને તેની સિક્વલ ‘જય ગંગાજલ’માં પ્રિયંકા ચોપરાએ પોલીસની ભૂમિકા ભજવી હતી. ઝા કહે છે, મને એ નથી ખબર કે અમે શા માટે મહિલા કલાકારોને લઈને વધુ કોપ ફિલ્મો બનાવતા નથી. મને મારી ફિલ્મોમાં મહિલા કોપ લેવામાં ક્યારેય વાંધો નહોતો. મારી ફિલ્મોની વાત કરું તો તેમાં ફક્ત મજબૂત મહિલા કોપ જ નથી હોતી, પણ તે મજબૂત મહિલા કેરેક્ટર હોય છે. અત્યારે મહિલા પોલીસની ભૂમિકાવાળી કેટલીક ફિલ્મો બની રહી છે, તેમાં રાની મુખરજીની ‘મરદાની’ની સિક્વલ, ‘દબંગ થ્રી’ અને ‘સૂર્યવંશી’ અક્ષય કુમાર સાથે બની રહી છે. આ ઉપરાંત પાઈપલાઈનમાં રહેલી કોપ ફિલ્મોમાં એક છે, તાપસી પન્નુની ફિલ્મ, જેમાં હવે ઐશ્ર્વર્યા રાય બચ્ચન આવી
ગઇ છે.