ભારતમાં કોઇ સ્કૂલમાં સ્કર્ટ ઉપર પ્રતિબંધ મુકવાની વાત કરે છે કે તો સમાજમાં તેનો ભારે વિરોધ થાય છે, પરંતુ આ વખતે બ્રિટનની સ્કૂલ્સમાં છોકરીઓ માટે પણ સ્કર્ટ પહેરવા પર પ્રતિબંધ લગાવવામાં આવે તેવી શક્યતા છે. સ્કૂલની છોકરીઓ માટે યુનિફોર્મમાં સ્કર્ટનો વિકલ્પ જ ટુંક સમયમાં રદ કરાય તેવી શક્યતા છે, કારણ કે સમગ્ર બ્રિટનમાં મોટાભાગની સ્કૂલ્સ જાતિય ભેદભાવ (છોકરાઓ અને છોકરીઓ વચ્ચે ફરક) રહે નહીં તેવા યુનિફોર્મની નીતિ અપનાવી રહી છે. એક અગ્રણી અખબારે સ્કૂલ્સમાં યુનિફોર્મ નીતિના કરેલા વિશ્લેષણ અનુસાર ઓછામાં ઓછી 40 સેકંડરી સ્કૂલ્સે છોકરીને સ્કર્ટ પહેરવા પર પ્રતિબંધ જાહેર કરી દીધો છે, તો બીજી કેટલીયે સ્કૂલ્સ પણ આ વિશે વિચાર કરી રહી છે. જોકે, આની પાછળનું એક મહત્ત્વનું કારણ એ છે કે, સ્કૂલ્સ ટ્રાંસજેંડર લોકોની જરૂરિયાતો ધ્યાનમાં રાખવા માંગે છે એટલા માટે ટ્રાઉઝર નીતિ અપનાવવામાં આવી રહી છે. બ્રિટનની સરકાર દેશના જેંડર રેકગ્નિશન એક્ટમાં ફેરફાર દ્વારા ટ્રાંસજેંડર લોકોના અધિકારો સ્પષ્ટ કરવાની તૈયારી કરી રહી છે એવા માહોલ વચ્ચે જ સ્કૂલ્સે આ પગલું ભર્યું છે.