બ્રિટનમાં થયેલા સંશોધનમાં એવો દાવો કરાયો છે કે, પાંચમાંથી એક બાળક સ્માર્ટફોન અને ટેબલેટ સરળતાથી અનલોક કરી નાંખે છે. આ સંશોધનમાં એવું પણ જાણવા મળ્યું છે કે બે વર્ષથી ઓછી ઉંમરના 64 ટકા બાળકોને આ ગેજેટ્સ વાપરવા અપાય છે. એક માર્કેટ રીસર્ચ કંપનીના સંશોધનમાં આવા અનેક ચોંકાવનારા તથ્યો બહાર આવ્યા છે. આ સંશોધન અઢી હજાર લોકોના સંપર્ક સાથે કરવામાં આવ્યું હતું. સંશોધન દરમિયાન બાળકોના વાલીઓએ જણાવ્યું કે તેમના બાળકો સ્માર્ટફોન અને ટેબલેટ ચાલુ કરી લે છે. આવા ગેજેટ્સમાં તેઓ ગેમ રમે છે અથવા તો યૂટ્યૂબ પર વીડિયો જુએ છે. ગેમ રમનારા બાળકોની સંખ્યા 24 ટકા હોવાનું આ સંશોધન જણાવે છે, તો વીડિયો જોનારા બાળકોની સંખ્યા 18 ટકા છે. આ સંશોધનના એક રીસર્ચર નિક રીચર્ડસને કહ્યું હતું વાલીઓ તેમના બાળકો આટલી નાની ઉંમરમાં સ્માર્ટફોન અથવા તો ટેબલેટ જેવા ગેજેટ્સનો ઉપયોગ કરતા હોવાનું જાણે છે. 63 ટકા વાલીઓનું કહેવું હતું કે તેમના બાળકો માટે આખા દિવસમાં માત્ર અડધા કલાકનો સમય આવા ગેજેટ્સનો ઉપયોગ કરવા માટે નક્કી કરવામાં આવ્યો છે. સંશોધનમાં એવું પણ જાણવા મળ્યું છે કે 13 ટકા વાલીઓ તેમના બાળકોને 13 વર્ષની ઉંમરમાં જ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાની મંજુરી આપી દેતા હોય છે.