ઉત્તરીય ઈંગ્લેન્ડના મિડલ્સબરોમાં આ વર્ષની શરૂઆતમાં પોતાના ઘરમાં મૃત હાલમાં મળી આવેલી ભારતીય મૂળની ૩૪ વર્ષીય ફાર્માસિસ્ટ મહિલાના પતિને જ તેની હત્યા માટે દોષિત ઠેરવવામાં આવ્યો છે. આરોપી પતિ મિતેશ પટેલ વાસ્તવમાં ગે (સમલૈંગિક) છે અને તેણે સૌપ્રથમ તો પત્ની જેસિકાની હત્યા કર્યાનો ઈનકાર કર્યો હતો. જેસિકાની લાશ મે મહિનામાં તેના ઘરમાંથી મળી આવી હતી. ગત સપ્તાહે કોર્ટમાં આ અંગે સુનાવણી શરૂ થઈ હતી.
ન્યાયાધીશે તેને પત્નીને એક પ્લાસ્ટિક બેગ લગાવીને તેને ગૂંગળાવીને મારી નાખવા માટે દોષિત જાહેર કર્યો છે. વાસ્તવમાં, મિતેશ પટેલે પોતાના પુરૂષમિત્ર સાથે નવું જીવન શરૂ કરવા માટે પત્નીની હત્યા કરી હતી. પત્ની જેસિકાનો વીમો ૨૦ લાખ પાઉન્ડ (અંદાજે રૂ. ૨૦ કરોડ)નો હતો. જો તેનું મૃત્યુ થાય તો એ વીમાની રકમથી મિતેશ પટેલ પોતાના પુરૂષમિત્ર સાથે નવેસરથી જીવન શરૂ કરવા માગતો હતો. આ હેતુથી જ તેણે તેની પત્ની જેસિકાની હત્યા કરી નાખી હતી.
પટેલ તેના પુરૂષમિત્રને એક ડેટિંગ એપ ગ્રિન્ડ્ર પર મળ્યો હતો. જેના પછી સંપર્ક વધ્યો હતો. જસ્ટીસ જેમ્સ ગોસે જ્યુરીને જણાવ્યું હતું કે દોષિતને આજીવન કેદની સજા નિશ્ચિત છે. સજાની અવધિ પર સુનાવણી બાકી છે. જેસિકાના પરિવારે આ દરમિયાન કહ્યું હતું કે જેસિકા એક સારી યુવતી હતી. તે પોતાના પતિને ખૂબ પ્રેમ કરતી હતી અને ખૂબ ખુશ પણ હતી. મિતેશ જેસિકા સાથે એક ફાર્મસી સ્ટોર ચલાવતો હતો અને તે સ્ટોરના કર્મચારીઓની સામે પોતાના પુરૂષમિત્ર સાથે ચેટિંગ કરતો હતો. મિતેશ પટેલ ગે ડેટિંગ એપ ગ્રિન્ડ્ર પર પ્રિન્સ નામનું પ્રોફાઈલ બનાવીને મિત્રો સાથે વાત કરતો હતો.