જિબ્રાલ્ટરની જળસંધિમાં બ્રિટીશ નેવી દ્વારા એક ઇરાની તેલ ટેન્કર ગ્રેસ નં.1ને જપ્ત કરવામાં આવ્યુ છે. જેમાં 24 ભારતીય નાગરિકો સવાર હતા, જે સુરક્ષિત છે. આ બાબતની પુષ્ટિ વિદેશ રાજ્ય મંત્રી વી. મુરલીધરને આપી છે.
તેમણે કહ્યુ કે, ગત શુક્રવારના રોજ ઇરાન દ્વારા પણ ખાડીમાંથી એક બ્રિટીશ ટેન્કર સ્ટેના ઇન્પેરો જપ્ત કરવામાં આવ્યુ અને તેમાં સવાર થયેલા 18 ભારતીય નાગરિકો પણ સુરક્ષિત છે. તેમજ તહેરાનમાં ત્યાંના ભારતીય રાજદૂતે તેમની સાથે મુલાકાત પણ કરી છે. ભારતે 20 જુલાઇના રોજ આ ભારતીય નાગરિકો સાથે રાજકીય રીતે મુલાકાત કરવાની માગ કરી છે.
આ ઘટનાની વધુ જાણકારી આપતા મુરલીધરને ટ્વીટ કરી હતી કે, ભારતના હાઈકમિશનના અધિકારીઓ ગ્રેસ-1 પર સવાર તમામ 24 ભારતીય નાગરિકોને 24 જુલાઇના રોજ મળશે. એમણે ટ્વીટમાં એમ પણ કહ્યુ હતુ કે, લંડનમાં આવેલા આપણા ઉચ્ચ આયોગે ખાતરી આપી છે કે, જિબ્રાલ્ટર પોલીસ વહીવટીતંત્ર દ્વારા ધરપકડ કરેલા ગ્રેસ-1માં સવાર બધા ભારતીય નાગરિકો સુરક્ષિત છે.લંડનમાં આવેલા ભારતીય અધિકારીઓ રોયલ જિબ્રાલ્ટર વહીવટીતંત્ર સાથે સતત સંપર્કમાં છે. બ્રિટીશ ટેન્કર સ્ટેનો ઇન્પેરો હાલમાં અબ્બાસ બંદરથી થોડે દૂર આવેલા શાહિદ બાહોનાર બંદર પર છે.