New York: India's Permanent Representative to the United Nations Syed Akbaruddin speaks during a reception in the honour of Justice Dalveer Bhandari (L) at the United Nations in New York on Monday. India's Dalveer Bhandari won the votes in the UN General Assembly to make it to the International Court of Justice after UK pulled out the race.

20મી નવેમ્બર, 2017 ને સોમવારનો દિવસ બ્રિટન માટે શોક – આઘાતનો દિવસ બની રહ્યો. ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટીસમાં 71 વર્ષમાં પહેલીવાર એકપણ બ્રિટિશ જજ નહીં હોય. ભારતના જસ્ટીસ દલવીર ભંડારી અને બ્રિટનના ક્રિસ્ટોફર ગ્રીનવુડ વચ્ચેના જંગમાં આખરે યુકે સરકારે સોમવારે શરણાગતિ સ્વીકારી પોતે સ્પર્ધામાંથી ખસી જતા હોવાની જાહેરાત કરી હતી. આ પરાજય યુએનની સલામતી સમિતિના પાંચ કાયમી સભ્યોમાંના એક, બ્રિટન માટે હવે વિશ્વના રાજકીય તખતા ઉપર તેની ઘટી રહેલી વગનો એક સંકેત બની ગયો છે.
તો બીજા બે નુકશાનમાં યુરોપિયન મેડિસિન્સ એજન્સી (ઈએમએ)ની ઓફિસ હવે લંડનથી ખસેડીને એમ્સ્ટરડેમ લઈ જવાશે તેમજ યુરોપિયન બેંકિંગ ઓથોરિટી (ઈબીએ)ની ઓફિસ પણ લંડનથી ખસેડીને દરિયાપાર, ફ્રાન્સના પાટનગર પેરિસમાં લઈ જવાના નિર્ણયો લેવાયા હતા. હાલમાં લંડનના કેનેરી વાર્ફ જેવા અતિ મોંઘા બિઝનેસ ડિસ્ટ્રિક્ટમાં આ બે સત્તાઓની ઓફિસ કાર્યરત છે. તે બન્ને માર્ચ, 2019 સુધીમાં હવે ખસીને યુકેની બહાર જશે. એનાથી લંડન – યુકેને 1000 જેટલી ઉચ્ચ સ્કિલ્સ ધરાવતી જોબ્સની તક ગુમાવવી પડશે. આ બન્ને ઘટનાઓ જો કે યુકેએ લીધેલા બ્રેક્ઝિટના નિર્ણયના સીધા પ્રત્યાઘાતો છે. કેટલાય રાજકીય નિરીક્ષકો વગેરેના મતે આ તો હજી નુકશાનની શરૂઆત છે, બ્રેક્ઝિટના કારણે આવું તો ઘણુ યુકેએ વેઠવાનું થશે.
તે ઉપરાંત, વિશ્વના રાજકિય તખતે બ્રિટનની વગ ઘટી રહ્યાના પુરાવામાં ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટીસના એક જજ માટેની ચૂંટણી સ્પર્ધામાંથી યુકેએ લાંબા જંગ પછી ખસી જવું પડ્યું હતું. યુએન જનરલ એસેમ્બ્લીમાં ભારતીય ઉમેદવાર, હાલમાં પણ આઈસીજેના જજ રહેલા દલવીર ભંડારીને યુકેના ઉમેદવાર કરતાં ઘણા વધુ વોટ મળતા રહ્યા હતા, જો કે સલામતી સમિતિના વોટીંગમાં યુકેના જજ ક્રિસ્ટોફર ગ્રીનવુડને વધુ વોટ મળતા હતા. તેના કારણે મડાગાંઠ સર્જાતા યુકે છેક સુધી લડવા તૈયાર હતું, નેગેટિવ પબ્લિસિટી થઈ અને તેની સામે ગંદુ રાજકારણ રમવાનો પણ આક્ષેપ થતાં યુકેએ સ્પર્ધામાંથી ખસી જવામાં શાણપણ હોવાનું સમજી સોમવારે એ જાહેરાત કરી હતી.
યુકેને સમજાયું હતું કે બ્રેક્ઝિટ પછી ભારત તેનું ખૂબજ મહત્ત્વનું ટ્રેડ પાર્ટનર બનવાનું છે ત્યારે તેને નારાજ કરવાનું યોગ્ય નથી, બીજા વગદાર દેશો – અમેરિકા, ફ્રાન્સ વગેરે પણ ભારતને નારાજ કરવાના મુદ્દે કદાચ યુકેનો સાથ આપે નહીં.
જસ્ટીસ ભંડારીના વિજય પછી ટોચના એક ભારતીય ડિપ્લોમેટે એક બ્રિટિશ કવિની જ પંક્તિઓ ટાંકી હતી. ટેનિસનની એ અમર પંક્તિઓ આ મુજબ છેઃ “the old order changeth, yielding place to new” (તેઓ અર્થ એવો થાય કે, જુના જોગીઓએ નવા લોકો માટે જગ્યા ખાલી કરી આપવી જોઈએ.)
ભારતના યુએન ખાતેના કાયમી પ્રતિનિધિ સૈયદ અકબરૂદ્દીને જસ્ટીસ ભંડારીના વિજય માટે ખૂબજ આક્રમક પ્રચારની વ્યૂહરચના અપનાવી હતી. તેના કારણે બ્રિટનને તેની રમતમાં સફળતા મળી નહોતી.
આથી, યુકેના કાયમી પ્રતિનિધિ મેથ્યુ રાયક્રોફટે યુએનને લખેલા પત્રમાં જસ્ટીસ ગ્રીનવુડની ઉમેદવારી પાછી ખેંચી લેવાયાનો પત્ર લખ્યો હતો. જો કે, યુકેએ ગયા સપ્તાહે જ ગ્રીનવુડ ખસી જશે એવી ખાતરી ભારતને આપી હતી, પણ એ પાળવામાં નહીં આવતાં ભારત રોષે ભરાયું હતું. તેણે યુકે સામે આક્રોશ ઠાલવી એવું કહ્યું હતું કે યુકે રોબર બેરોન (લૂંટારા) રોબર્ટ ક્લાઈવની જેમ વર્તી રહ્યું છે.