(Facebook picture)

શુક્રવારે પોતાની જુનિયર ડોક્ટર તરીકેની નવી કારકિર્દીનો આરંભ કરવા ડર્બીશાયરના બોસ્ટનમાં પિલ્ગ્રીમ હોસ્પિટલમાં હાજર થયેલી બ્રિટિશ ઈન્ડિયન સુંદરી ભાષા મુખરજીએ ગુરૂવારે રાત્રે મિસ ઈંગ્લેન્ડનો તાજ મેળવ્યો હતો. બીજી સેંકડો મોડલ્સને સ્પર્ધામાં પાછળ રાખી દઈ તાજ હાંસલ કરનારી 23 વર્ષની ભાષા મેડિકલમાં બે ડીગ્રી ધરાવે અને તે પાંચ ભાષાઓ જાણે છે.

ન્યૂ કાસલમાં ગુરૂવારે યોજાએલી મિસ ઈંગ્લેન્ડ સ્પર્ધામાં વિજયના ગણતરીના કલાકો પછી તે ડોક્ટર તરીકેની નવી જોબમાં સમયસર હાજર થવા વહેલી સવારે 4 વાગ્યાની ટ્રેનમાં પણ સમયસર પહોંચી હતી. ભાષાએ કહ્યું હતું કે છેલ્લુ એક સપ્તાહ તેના માટે ખૂબજ વ્યસ્ત રહ્યું હતું.

તેણે પોતે ક્યારેય વિચાર્યું નહોતું કે મિસ ઈંગ્લેન્ડ સ્પર્ધામાં વિજેતા બનશે. ભારતમાં જન્મ પછી નવ વર્ષની વય સુધી ત્યાં રહેલી ભાષા પોતાના પરિવાર સાથે યુકે આવી હતી. અહીં તેણે યુનિવર્સિટી ઓફ નોટિંગહામમાંથી બે બેચલર્સ ડીગ્રી પ્રાપ્ત કરી છે – મેડિકલ સાયન્સીઝ તેમજ મેડિસિન એન્ડ સર્જરી.

તેના પિતા, 57 વર્ષના દુર્ગા મુખરજી માતાથી અલગ થઈ ગયા છે. શેફ તરીકે કામ કરતાં તેમણે કહ્યું હતું કે, મને ભાષા માટે ગૌરવ છે. તે ખૂબજ પ્રતિભાશાળી હોવાનું તો મને તે ઘણી નાની હતી ત્યારથી હું જાણતો હતો. તે જે કઈં કરે છે તેમાં સંપૂર્ણપણે ઓતપ્રોત થઈ જાય છે અને જે કોઈ પડકાર ઝિલે છે, તેમાં તે ક્રિએટીવ બની રહે છે. કોઈપણ કામ અધુરૂં મુકવાનું તેને જરાપણ પસંદ નથી.

તેની માતા, 51 વર્ષની મિતા મુખરજી એક રીટેઈલ આસિસ્ટન્ટ તરીકે કામ કરે છે. પોતાની પુત્રીની પ્રશંસા કરતાં ઉમળકાભેર તેઓએ કહ્યું હતું કે, અમારા પરિવારને બહુ ખર્ચ પરવડે તેમ નહીં હોવાથી ભાષાએ લગભગ પોતાનો અભ્યાસ તેમજ આ સૌંદર્ય સ્પર્ધામાં પણ બધી જ મહેનત અને ખર્ચ આપબળે કરી સફળતા મેળવી છે. તે પડકારોનો બરાબર મુકાબલો કરતી રહી છે અને લગભગ તેણે પોતાની ઈચ્છા મુજબ બધું જ હાંસલ કર્યું છે.

ભાષાને મિસ ઈંગ્લેન્ડની વિજેતા જાહેર કરવામાં આવી ત્યારે હું ખૂબજ ખુશ પણ થઈ હતી અને આશ્ચર્ય પણ થયું હતું. પોતાના વિજય વિષે ભાષાએ વાત કરતાં કહ્યું હતું કે, પોતાને ક્યારેય એવું લાગ્યું નહોતું કે પોતે મિસ ઈંગ્લેન્ડ બનશે. આથી, તેને વિજેતા જાહેર કરાઈ ત્યારે તે ખુશીથી રડી પડી હતી. પોતે ટોપ સિક્સમાં આવી ત્યારે પણ તેને તો એ વાતનો સંતોષ હતો કે પોતે અહીં સુધી તો પહોંચી છે, આ પણ કઈં ઓછું નથી.

મારી સફળતા મારા જેવી એથનિક બેકગ્રાઉન્ડની અનેક યુવતીઓ માટે પણ એક મોટો વિજય છે. પાંચ ભાષાઓ – અંગ્રેજી, હિન્દી, બંગાળી, ફ્રેન્ચ અને જર્મનમાં ફ્લુઅન્ટ ભાષાને વિદ્યાર્થીકાળમાં અવકાશયાત્રી બનવાની ઈચ્છા હતી, પણ હાઈસ્કૂલ છોડ્યા પછી પરફોર્મિંગ આર્ટ તરફ વળવાનો નિર્ણય કર્યો હતો. મેડિકલ સ્કૂલમાં અભ્યાસ કરતાં કરતાં તે મોડલિંગ તરફ વળી હતી. તે હવે ઈંગ્લેન્ડ વતી મિસ વર્લ્ડ સ્પર્ધામાં ભાગ લેશે.