ઝડપથી વૃદ્ધિ પામી રહેલી ભારતીય ફ્યુઅલ માર્કેટમાં યુકેની બ્રિટિશ પેટ્રોલિયમ (બીપી) પ્રવેશવા સજ્જ છે. કંપની ભારતની અગ્રણી કંપની અને રીફાઈનર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સાથે તેના ફયુઅલ વિતરણ કારોબારમાં ભાગીદારી કરી રિલાયન્સના 1400 પેટ્રોલ પંપ્સમાં માલિકી હિસ્સો ખરીદશે. આ સહયોગ હેઠળ તેઓ વધુ 4100 પેટ્રોલ પંપ્સ શરૂ કરવાનું પણ આયોજન ધરાવે છે.

આ સૂચિત સહયોગમાં બીપી 49 ટકા હિસ્સો ખરીદવાની છે, જો કે સોદો કેટલી રકમમાં થશે તેની તેમજ ભાગીદારીની શરતો હજી જાહેર થઈ નથી, એ વિષે હજી બન્ને વચ્ચે સંમતિ હવેપછી સધાશે. બીપીના ચીફ એક્ઝિક્યુટીવ બોબ ડડલીએ જણાવ્યું હતું કે, 2020ના દાયકાના મધ્ય સુધીમાં ભારત ફ્યુઅલના વેચાણ મોરચે વૃદ્ધિમાં વિશ્વની સૌથી મોટી માર્કેટ બની રહે તેવી ધારણા છે. બીપીને પણ આ વૃદ્ધિમાં સમર્થન આપીને વધુ આકર્ષક, વ્યૂહાત્મક તકો દેખાય છે.

હાલમાં લંડન સ્થિત બીપી વિશ્વભરમાં 70,000 જેટલા લોકોની ટીમ સાથે કાર્યરત છે અને તે ઓઈલ અને ગેસના ઉત્પાદન તેમજ વેચાણ ક્ષેત્રે પ્રવૃત્ત છે. કંપની યુકેમાં 1,200 સહિત દુનિયાભરમાં 18.700 પેટ્રોલ પંપ્સ ધરાવે છે, પણ ભારતમાં તેનો આજે તો એકપણ પંપ નથી.  ભારતમાં પેટ્રોલ પંપ્સની સંખ્યા લગભગ 64,000 જેટલી છે.

બીપીના જણાવ્યા મુજબ આગામી 20 વર્ષના ગાળામાં ભારત સૌથી ઝડપી વૃદ્ધિ પામી રહેલી ફયુઅલ માર્કેટ બની રહેવાની ધારણા છે અને આ ગાળામાં પેસેન્જર કાર્સની સંખ્યામાં આજની તુલનાએ છ ગણો વધારો થવાની અપેક્ષા છે. આ સંજોગોમાં, રિલાયન્સ સાથેના સહયોગમાં બીપીનો પેટ્રોલ પંપના ક્ષેત્રે 5500 પંપ્સના સંચાલનનો ટાર્ગેટ છે. આ સહયોગમાં એવીએશન ફયુઅલ બિઝનેસનો પણ સમાવેશ કરાશે. બીપી અને રિલાયન્સ વચ્ચે ભાગીદારીનો આરંભ 2011 થયો હતો અને હાલમાં તો આ સહયોગ પેટ્રોલિયમ એક્સપ્લોરેશન અને ઉત્પાદન પુરતો મર્યાદિત છે.