બ્રિટનની સંસદે મંગળવારે મોડી રાત્રે વડાપ્રધાન થેરેસા મેની બ્રેક્ઝિટ ડીલને નકારી દીધી છે. આનાથી એવી સંભાવનાઓ બની રહી છે કે, બ્રિટન યુરોપિયન યુનિયન (EU) સાથે કોઇ પણ કરાર વગર જ અલગ થશે. ઇયુએ મંગળવારે ચેતવણી આપી છે કે, તેઓ આનાથી વધુ કંઇ જ નથી કરી શકતા. યુરોપિયન યુનિયનના વરિષ્ઠ અધિકારીઓએ આ મતદાનના પરિણામ પર ખેદ વ્યક્ત કર્યો અને કહ્યું કે, તેઓ જીદ પર બેઠેલા સાંસદોના વોટ જીતવામાં થેરેસા મેની વધુ મદદ નહીં કરી શકે.
જો બ્રિટનની સંસદ ઇયુની સાથે થયેલી સમજૂતીને મંજૂર કરાવવામાં નિષ્ફળ રહે છે અને ઇયુ આ મુદ્દે વધુ સમય આપવા માટે તૈયાર નહીં થાય તો બ્રિટન 29 માર્ચના રોજ EU સાથે કોઇ પણ સમજૂતી વગર બહાર થઇ જશે. જો કે, યુરોપિયન સંઘનું કહેવું છે કે, તેઓ બ્રિટનને વધુ સમય આપવા માટે વિચારણા કરી શકે છે. યુરોપિયન પરિષદના અધ્યક્ષ ડોનાલ્ડ ટસ્કના પ્રવક્તાએ જણાવ્યું કે, ટસ્કને આ પરિણામ પર ખેદ છે, પરંતુ બ્રસેલ્સ તરફથી તેઓએ ચેતવણી પણ આપી છે કે, વધુ કંઇ પણ કરવું મુશ્કેલ હશે.
ઇયુના પ્રમુખ બ્રેક્ઝિટ વાટાઘાટકાર મિશેલ બાર્નિયરે આ જ વાત ફરીથી કહેતા જણાવ્યું કે, બ્રસેલ્સ આનાથી વધુ કંઇ જ નહીં કરી શકે. યુરોપિયન આયોગના અધ્યક્ષ જીન ક્લાઉડ જંકની પ્રવક્તાએ કહ્યું કે, હવે આ સમજૂતીનો ઉકેલ લંડનમાં જ લાવવો પડશે. યુરોપિયન સંઘના એમ્બેસેડર્સની બેઠક બુધવારે સવારે બ્રસેલ્સમાં થશે.
બ્રેક્ઝિટ સમજૂતી રદ થયા બાદ વડાપ્રધાન થેરેસા મેએ કહ્યું કે, હવે સંસદમાં એ વાતને લઇને મતદાન કરીશું કે, યુકે 29 માર્ચના રોજ કોઇ પણ સમજૂતી વગર જ યુરોપિયન સંઘથી બહાર થવું જોઇએ કે નહીં. જો સંસદ સમજૂતી વગર ઇયુથી બહાર નિકળવા માટે તૈયાર નથી થતા તો બ્રેક્ઝિટને ટાળવું જોઇએ કે નહીં. મેએ કહ્યું કે, ટોરી સાંસદોને બ્રેક્ઝિટને લઇને કોઇ સમજૂતી નહીં કરવાના વિષય પર પોતાની મરજીથી મતદાન કરવાની છૂટ હશે. વડાપ્રધાને કહ્યું કે, જો બુધવારે સંસદ સમજૂતી વગર બ્રેક્ઝિટને મંજૂરી આપે છે તો યુકેને ઇયુમાંથી બહાર કાઢવાની પ્રક્રિયા માટે જરૂરી આર્ટિકલ 50 પર મતદાન થશે.
થેરેસા મેની સરકારને સમર્થન આપતા ટોરી સાંસદો અને ડેમોક્રેટિક યુનિયનિસ્ટ પાર્ટીના સાંસદોએ બ્રેક્ઝિટ ડીલનું સમર્થન કરવાનો ઇનકાર કરી દીધો છે. તેઓનું કહેવું છે કે, યુકે હંમેશા માટે યુરોપિયન સંઘનો હિસ્સો ના રહે તે માટે વડાપ્રધાન જે કાયદાકીય આશ્વાસનોની વાત કરી રહ્યા છે, તે અપુરતા છે.
ટોરી સાંસદ જેકબ રીસ મૉગના નેતૃત્વમાં યુરોપિયન રિસર્ચ ગ્રુપે એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે, અમારાં અને બીજાંના કાયદાકીય મૂલ્યાંકન અનુસાર અમે આજે સરકારની ડીલનો સ્વીકાર કરવાનું સમર્થન નથી કરતા.1922ની કમિટી ઓફ બેકબેન્ચ ટોરી એમપીઝના ઉપાધ્યક્ષ ચાર્લ્સ બેકરનું કહેવું છે કે, બાદમાં યોજાનારા મતદાનમાં જો સરકારની હાર થઇ તો ફરીથી જનરલ ઇલેક્શન કરાવવાની શક્યતાઓ ઉભી થઇ શકે છે. પાર્લામેન્ટમાં હાલ જે સ્થિતિ છે તે સ્થાયી નથી.