ગુરૂવારે (21) યુરોપિયન યુનિયને બ્રેક્ઝિટની મુદત ત્રણ મહિના લંબાવવાની વડાંપ્રધાન થેરેસા મેની વિનંતી નકારી કાઢી મૂળભૂત રીતે બે વિકલ્પોને બહાલી આપી છે. એનાથી લાંબી મુદત માટે ઈયુએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, બ્રિટને યુરોપિયન યુનિયનની ચૂંટણીઓમાં ભાગ લેવો જ પડે.

ઈયુના આ નિર્ણયના પગલે વડાંપ્રધાન થેરેસા મેએ કહ્યું હતું કે, બ્રિટનના સંસદ સભ્યો માટે હવે નિર્ણાયક ઘડી આવી ગઈ છે. તેઓ ‘નો ડીલ’ બ્રેક્ઝિટ નિવારવા ઈચ્છતા હોય તો તેઓએ આગામી સપ્તાહે બ્રેક્ઝિટ ડીલને સ્વિકૃતિ આપી દેવી જોઈએ. પોતાનો અંગત મત દર્શાવતા તેમણે કહ્યું હતું કે, બ્રિટિશ પ્રજાએ યુરોપિયન યુનિયનથી અલગ થવાનો જનાદેશ જે ત્રણ વર્ષ પહેલા આપ્યો હતો, તેનો અમલ કરવાની રાજકીય નેતાગીરી, સંસદ સભ્યો પાસે આ છેલ્લી તક છે. તે સિવાય તો પછી કદાચ બ્રેક્ઝિટ જ નહીં રહે.

યુરોપિયન યુનિયને આપેલી બે મુદતોમાં એવી શરતો છે કે આગામી સપ્તાહે બ્રિટિશ સંસદ બ્રેક્ઝિટ ડીલ ઉપર મંજુરીની મહોર મારે તો પછી એના અમલીકરણ માટે જરૂરી કાયદા ઘડવા અને તેને બહાલી આપવા 22 મે સુધીની મુદત મંજુર કરવામાં આવી છે. અને ઈયુની બહાલી સાથેની બ્રેક્ઝિટ ડીલ બ્રિટિશ સંસદ ફગાવી દે તો પછી બ્રિટન પાસે બીજો કોઈ વિકલ્પ નથી રહેતો, 12 એપ્રિલે તેણે ‘નો ડીલ બ્રેક્ઝિટ’ સ્વીકાર્યું ગણાશે. એનો સીધો અર્થ એવો થાય કે હાલના સ્વરૂપે જ બ્રેક્ઝિટ ડીલ સ્વીકારાય નહીં તો પછી બ્રિટને કોઈ જ ડીલ વિના 12 એપ્રિલે ઈયુથી અલગ થઈ જવું પડે, અથવા તો બ્રેક્ઝિટમાં લાંબી મુદતના વિલંબ માટે હવે પછી ટુંક સમયમાં આવી રહેલી યુરોપિયન યુનિયનની ચૂંટણીઓમાં તો બ્રિટને ભાગ લેવો જ પડે.

સોમવારે મોડેથી સ્પીકર જ્હોન બર્કોએ કરેલા વિસ્ફોટક નિવેદન પછી મંગળવારે થેરેસા મેની કેબિનેટની બેઠકમાં પણ બ્રેક્ઝિટ તરફી અને વિરોધી ગ્રુપના પ્રધાનો વચ્ચે ગરમાગરમ ચર્ચાઓ થઈ હતી, તો થેરેસા મેએ આક્રોશભર્યા સ્વરમાં સંસદ સભ્યો ઉપર રાજકારણનો અને બ્રિટિશ પ્રજાના જનાદેશની અવગણનાનો આક્ષેપ મુક્યો હતો. બુધવારે તેમણે યુરોપિયન યુનિયનને પત્ર લખી 30 જુન સુધી બ્રેક્ઝિટ પાછું ઠેલવાની મંજૂરી માંગી હતી.

પણ ગુરૂવારે બ્રસેલ્સમાં ઈયુના નેતાઓએ થેરેસા મેની દોઢ કલાકથી વધુની રજૂઆતો સાંભળી અને પછી સ્થિતિનું પોતાની રીતે મૂલ્યાંકન કરી 30 જુન સુધી થેરેસા મેએ માંગેલી મુદત નકારી કાઢી 12 એપ્રિલ અને 22 મેના નવા બે વિકલ્પને મંજુરી આપી હતી. ઈયુ કાઉન્સીલના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટસ્કે નવી મુદત વિષે પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી હતી. તેમણે તો એવું કહ્યું હતું કે, આ નિર્ણય પછી બ્રિટન પાસે શક્ય એવા તમામ ચાર વિકલ્પો ખુલ્લા છે. (1) તે ચાહે તો ‘નો ડીલ બ્રેક્ઝિટ’ અપનાવી શકે છે. (2) હાલનો બ્રેક્ઝિટ ડીલ સ્વીકારી સુયોજિત રીતે ઈયુથી અલગ થઈ શકે (3) ઈયુથી અલગ થવા માટે લાંબી મુદતનો પણ વિકલ્પ અપનાવી શકે (4) આર્ટીકલ 50 (બ્રેક્ઝિટ) રદ કરવી હોય તો પણ એમ કરી શકે. ટસ્કે એવી સ્પષ્ટતા કરી હતી કે 12 એપ્રિલ પછી બ્રિટને ઈયુમાં ગમે તેટલી મુદત માટે રહેવું હોય તો યુરોપિયન સંસદની ચૂંટણીમાં ભાગ લીધા વિના એમ કરવું સાવ અશક્ય છે.

એ પછી ઈયુના સૂત્રોએ કહ્યું હતું કે આ બે નવી મુદતો સાથે હવે અચાનક, કોઈ ડીલ વિના બ્રિટનનું ઈયુથી અલગ થઈ જવું નિવારી શકાશે અને સાથે બીજા વિકલ્પો માટે પણ રાતોરાત કે ઉતાવળે નિર્ણય લેવાની સ્થિતિ નિવારી શકાશે.

યુરોપિયન સંસદની ચૂંટણીઓ 23 થી 26 મે દરમિયાન યોજાવાની છે. બ્રિટને બ્રેક્ઝિટ પાછી ઠેલવા માટે લાંબી મુદત જોઈતી હોય, તો એણે એ ચૂંટણીઓમાં ભાગ લેવો ફરજિયાત બની રહે છે. થેરેસા મે વ્યક્તિગત રીતે એવું માને છે કે બ્રિટિશ લોકોએ ત્રણ વર્ષ પહેલા ઈયુથી અલગ થઈ જવાનો જનાદેશ આપી દીધો છે, ત્યારે હવે લોકોએ ફરી ઈયુની સંસદીય ચૂંટણીઓમાં ભાગ લેવો પડે તેવી સ્થિતિ તેના મતે અસ્વિકાર્ય છે.