બ્રિટનની બ્રેક્ઝિટની સમસ્યાનો સાંસદોને માન્ય હોય અને યુરોપિયન યુનિયનને સ્વીકાર્ય હોય તેવો ઉકેલ મળવાના આશાસ્પદ સંકેતો મંગળવારે જણાતા હતા. જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કલે કહ્યું હતું કે હજી તો સમય છે, બ્રેક્ઝિટનો ઉકેલ ચોક્કસ લાવી શકાય. યુરોપિયન યુનિયનના સૌથી સિનિયર અધિકારી અને જંકરના સહાયક માર્ટિન સેલમાયરે કહ્યું હતું કે આઈરીશ બેકસ્ટોપ કાયમી બની જાય નહીં તે માટે કાયદેસરની ખાતરી (લિગલ અંડરટેકિંગ) પણ શક્ય છે. થેરેસા મે મંગળવારે નોર્ધર્ન આયર્લેન્ડના પ્રવાસે ગયા હતા, જ્યાં તેઓ એ ખાતરીનો પુનરોચ્ચાર કરવાના હતા કે, તેઓ આયર્લેન્ડમાં હાર્ડ બોર્ડર (વાસ્તવિક નાકાબંધી કરવી પડે તેવી સરહદ) સ્થાપવી પડે નહીં તેવા ઉકેલ માટે મક્કમ, વચનબદ્ધ છે.
જો કે, બીજી તરફ થેરેસા મેની સત્તાધારી ટોરી પાર્ટીના કેટલાક કટ્ટર બ્રેક્ઝિટ તરફી સાંસદોએ એવા સૂર પણ છેડ્યા હતા કે ઈયુ જે સામાન્ય રાહત આપવાની વાત કરે છે તે સ્વીકાર્ય નથી. સાથે સાથે, હવે બ્રિટનની ઈયુથી અલગ પડવાની તારીખ – 29મી માર્ચ ફક્ત આઠ સપ્તાહ દૂર છે ત્યારે થેરેસા મે સામેનો પડકાર હજી તો નાનો સુનો નથી. આ સંજોગોમાં થેરેસા મે ગુરૂવારે (7) જંકર સાથે વાટાઘાટો માટે બ્રસેલ્સ જવાના છે.
નોર્ધર્ન આયર્લેન્ડની થેરેસા મેને સમર્થન આપતી પાર્ટી – ડીયુપીના નેતાએ પણ ઈયુ દ્વારા જે રાહતનો સંકેત આપવામાં આવ્યો છે, તે થોડા કમને પણ સ્વીકાર્ય હોવાનો અણસાર આપ્યો હતો.
તો બ્રિટિશ સરકારના ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ક્રિસ ગ્રેયલિંગે યુરોપિયન યુનિયન ઉપર દબાણનો પ્રયાસ કરતાં એવું કહ્યું હતું કે, હવે બ્રિટિશ સંસદે પોતાનો ચુકાદો સ્પષ્ટ કરી દીધો છે કે બ્રેક્ઝિટ ડીલ હાલના સ્વરૂપે તેને સ્વીકાર્ય નથી. આ સંજોગોમાં બ્રિટન અને ઈયુએ સાથે મળીને સ્થિતિનો ઉકેલ લાવવાનો રહે છે. ઈયુ જરૂરી બાંધછોડ કરવા તૈયાર ના હોય તો સમસ્યાનું સમાધાન નહીં મળવા માટેની જવાબદારી ઈયુના શિરે રહેશે.
થેરેસા મે સરકાર પણ અન્ય સ્વીકાર્ય વિકલ્પની શોધમાં માલ્ટહાઉસ સમાધાનની ફોર્મ્યુલા વ્યવહારૂ છે કે નહીં તેની છણાવટ કરી રહી છે. એ ફોર્મ્યુલા મુજબ નો ડીલ બ્રેક્ઝિટનો પ્રશ્ન જ ના રહે તે રીતે, જરૂર પડે તો 29 માર્ચની તારીખ યોગ્ય સમજુતી થાય નહીં ત્યાં સુધી – નવ મહિના માટે પાછી ઠેલવામાં આવે.