બ્રિટનના યુરોપિયન યુનિયનથી અલગ થવાના મુદ્દે દેશની મુખ્ય સત્તાધારી પાર્ટી ટોરીઝ અને મુખ્ય વિરોધ પક્ષ લેબર પાર્ટી વચ્ચે કોઈ સમજુતી સધાય તેવા સંકેતો મંગળવારે સાંજ સુધીનો તો દેખાતા નહોતા. એક તરફ અગ્રણી ટોરી નેતાઓ અને ભૂતપૂર્વ મિનિસ્ટર્સે વડાંપ્રધાન થેરેસા મેને ચેતવણી આપી હતી કે કસ્ટમ્સ યુનિયનમાં રહેવાની લેબર પાર્ટીની શરતોએ તેની સાથે બ્રેક્ઝિટને સમર્થન માટેની વાટાઘાટો તો પાર્ટીએ રદ જ કરી નાખવી જોઈએ કારણ કે એના કરતાં તો બ્રિટનમાં ઈયુના સભ્યપદે ચાલુ રહેવાનો જ વિકલ્પ વધુ સારો રહેશે. તે ઉપરાંત, એ શરતોએ લેબર સાથે સમાધાન કરવાથી ટોરી પાર્ટીને ઘણું જ મોટું, કદાચ ક્યારે ય ભરપાઈ થઈ શકે નહીં એવું નુકશાન થશે. આ સંજોગોમાં વડાંપ્રધાને લેબર પાર્ટી સાથે બ્રેક્ઝિટ ડીલ માટેની વાટાઘાટો હવે તુરત જ પડતી મુકવી જોઈએ.
13 વરિષ્ઠ ટોરી નેતાઓ તેમજ ભૂતપૂર્વ મિનિસ્ટર્સે થેરેસા મેને લખેલા પત્રમાં લેબર પાર્ટી સાથેના સમાધાનથી તો પાર્ટી માટે તેના વફાદાર એવા મધ્યમ માર્ગી મતદારોનું સમર્થન ગુમાવવાનું જોખમ સર્જાશે.
તો બીજી તરફ લેબર પાર્ટીના પણ કેટલાય સંસદ સભ્યોએ કોર્બિનને એવી ચેતવણી આપી હતી કે, સેકન્ડ રેફરેન્ડમ સિવાયની સંસદમાં કોઈપણ બ્રેક્ઝિટ ડીલને બહાલી મળે, તે સાંસદો ફગાવી દે તેવી શક્યતા છે. લેબર નેતા અને શેડો ચાન્સેલર જ્હોન મેકડોનેલે પણ એવું જ કહ્યું હતું કે, સરકાર સાથેની બ્રેક્ઝિટ મુદ્દે સમાધાનની મંત્રણાઓમાં લેબર ઈચ્છે છે તેવી કોઈ જ પ્રગતિ થઈ નથી અને આ મંત્રણાઓ હવે પડતી મુકાય તેવી શક્યતા છે. મેકડોનેલના મતે થેરેસા મે પોતે જ પોતાની પાર્ટી ઉપરથી પકડ ગુમાવી ચૂક્યા છે ત્યારે લેબરને તેની સાથેની સમજુતી ટકી રહે તેવી સલામતીની કોઈ ખાતરી નથી જણાતી.
થેરેસા મેને ચેતવણી આપનારા 13 નેતાઓમાં બોરિસ જ્હોનસન, ડોમિનિક રાબ, એસ્થર મેકવે તથા 1922 કમિટીના ચેરમેન સર ગ્રેહામ બ્રેડીનો સમાવેશ થાય છે. આ સંજોગોમાં, એક શક્યતા એવી દેખાય છે કે, થેરેસા મે ફરી એકવાર સંસદ સભ્યોને જ પોતાના વિકલ્પો પસંદ કરવાની તક આપશે.
તો ટોરી સંસદ સભ્યોમાં થેરેસા મેની નેતાગીરી સામેનો અસંતોષ પણ વધતો જાય છે. 1922 કમિટીના ચેરમેન ગ્રેહામ બ્રેડીના પ્રયાસો છતાં થેરેસા મેએ કહ્યું હતું કે, તેઓ હાલ પોતે ક્યારે રાજીનામુ આપવા માંગે છે તેની કોઈ તારીખની જાહેરાત નહીં કરે. બ્રેક્ઝિટ ડીલને સંસદની બહાલી મળે તે પછી જ તેઓ વડાંપ્રધાનપદનો તાજ ઉતારશે. આ સંજોગોમાં આગામી તા. 23ના રોજ યોજાનારી યુરોપિયન પાર્લામેન્ટના સભ્યોની ચૂંટણીમાં નિજેલ ફરાજની નવી રચાયેલી બ્રેક્ઝિટ પાર્ટીને સૌથી વધુ ફાયદો થવાની શક્યતા દેખાય છે. ફરાજે બીબીસી સામે પણ પોતાની પાર્ટીને પ્રચાર-પ્રસારમાં સાવ અવગણના કરવાનો આક્ષેપ મુક્યો હતો. તો કેટલાક ઓપિનિયન પોલ્સના તારણો મુજબ હાલના સંજોગોમાં ટોરીઝની લોકપ્રિયતા પ્રજામાં સાવ તળિયે પહોંચી ગઈ છે, લેબર પાર્ટી તેના કરતાં સ્પષ્ટ રીતે આગળ છે.