દેશમાં ‘નો ડીલ બ્રેક્ઝિટ’ ની શક્યતા વધુ પ્રબળ બની રહી છે ત્યારે રોયલ ફેમિલી માટે કોઈક સંભવિત જોખમના સંજોગોમાં સરકારી અધિકારીઓએ અગાઉના કોલ્ડ વોરના યુગમાં શાહી પરિવારને લંડનની બહાર કોઈક વધુ સુરક્ષિત સ્થળે લઈ જવાની એક કાયમી તૈયારીઓ રહેતી હતી તેને હાલના સંજોગોમાં ફરી અમલમાં મુકવાની વિચારણા કરી છે. વહિવટી તંત્ર અને કેટલાક વર્તુળોમાં એવી અટકળો ચાલી રહી છે કે, નો ડીલ બ્રેક્ઝિટની નોબત આવે તો દેશમાં શાકભાજી, ફ્રૂટ્સ અને ખાદ્ય પદાર્થોની અછતની પરિસ્થિતિ સર્જાય તો અરાજકતા ફેલાવાની, રમખાણો થવાની શક્યતા છે. એ સંજોગોમાં રોયલ ફેમિલીની સલામતી માટે લંડન ઓછું અનુકુળ જણાય છે, તેથી તેમને લંડનથી દૂર કોઈક વધુ સલામત સ્થળે ખસેડવાની તૈયારીઓ કરવામાં આવી રહી હોવાના પણ મીડિયામાં અહેવાલો ચમક્યા છે.

એડમિનિસ્ટ્રેશનની જવાબદારી સંભાળતા એક મિનિસ્ટરના જણાવ્યા અનુસાર, શાહી પરિવારને સુરક્ષિત સ્થળે મોકલવાનો નિર્ણય No-Deal Brexitના કારણે તણાવપૂર્ણ સ્થિતિને જોઇને લેવામાં આવ્યો છે. એક ન્યૂઝપેપરના અહેવાલ મુજબ શાહી પરિવાર અને ક્વીન એલિઝાબેથને લંડનથી બહાર કોઇ સુરક્ષિત સ્થળે લઈ જવાની તૈયારી ચાલી રહી છે.

બ્રેક્ઝિટ મુદ્દે બ્રિટિશ વડાપ્રધાન થેરેસા મેની સરકાર અને વિરોધ પક્ષો વચ્ચે કોઇ સંમતિ નથી. આ જ કારણોસર સરકારે સાંસદોનું ફેબ્રુઆરીનું વેકેશન રદ કરવાની જાહેરાત કરી દીધી છે. 92 વર્ષના ક્વીને ગયા મહિને એક સંસ્થાના કાર્યક્રમમાં પોતાના સંબોધનમાં રાજકીય નેતાઓને બ્રેક્ઝિટ ડીલ અંગે સમજૂતી સાધવાનો અનુરોધ કર્યો હતો.

તો વહિવટી તંત્રની તૈયારીઓના મુદ્દે કન્ઝર્વેટિવ સંસદ સભ્ય અને બ્રેક્ઝિટ સમર્થક જેકબ રીસ-મોગે રવિવારે કહ્યું કે, તેમના મતે નો ડીલ બ્રેક્ઝિટ મુદ્દે અધિકારીઓ નાહક ચિંતા કરી રહ્યા છે. આ અગાઉ બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન પણ શાહી પરિવાર લંડનમાં જ હતો. શાહી પરિવારના સિક્યોરિટી મેનેજરે જણાવ્યું કે, રમખાણો શરૂ થશે તો ક્વીન એલિઝાબેથ અને શાહી પરિવારને લંડનથી બહાર સુરક્ષિત સ્થળ પર ખસેડવામાં આવશે.