પરમ પૂજ્ય મહંત સ્વામી તાજેતરમાં લંડન પધાર્યા હતા અને યુકેના હરિભક્તોને દર્શન અને સત્સંગનો અલૌકિક લાભ આપ્યો હતો. મંગળવાર, 26 સપ્ટેમ્બરની સાંજે સહુ હરિભક્તોની સાથે ગરવી ગુજરાત પરિવારને પણ પરમ પૂજ્ય મહંત સ્વામીના દર્શન-સત્સંગ-આશીર્વાદનો દિવ્ય લાભ મળ્યો હતો.
પૂ. મંહત સ્વામીની અલૌકિક ઉપસ્થિતિમાં સત્સંગની અનુભૂતિ કંઇક ઓર જ હોય છે. આ સત્સંગમાં પૂ. મહંત સ્વામીએ એક ખાસ ટકોર કરી કે આપણે બીજાનાં દોષો પર તો તુટી પડીએ છીએ પણ આપણાં પોતાના દોષોને દુર કરવાને બદલે તેમને પંપાળીએ છીએ. હાલમાં જગતમાં જે પ્રકારે વૈમનસ્ય અને પરસ્પર દ્વેષની ભાવના વધી રહી છે તે જોતાં પૂ. મહંત સ્વામીની આ ટકોર અર્થપૂર્ણ છે. પોતાના સત્સંગ પ્રવચનના આરંભે શ્રી સ્વામી નારાયણ ભગવાન કી જય  કહીને તેમણે કહ્યું કે આપણે કહીએ છીએ કે વેલડન. પરંતું વેલસેટ કરતાં વેલડન વધારે મહત્વનું છે. આ ભાઈએ આ ચેક આપ્યો એ વેલડન વેલસેટ નહીં. ઘણાની ભાવના હોય કે આપણે આ કરવું છે. પણ આખરે એ કરી બતાવ્યું એટલે વેલડન વધારે મહત્વનું છે. એમના પર સ્વામીનારાયણ ભગવાન અને પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદ છે એટલે એ વધારે મહત્વનું છે. એમને ખબર હોય કે ના હોય પણ આવા કાર્યથી ભગવાન રાજી થાય અને એમના પર ખરેખર આશીર્વાદ આપે. જુઓ અમે તો બધા સાધુઓ છીએ એટલે અમારે તો બધારે નિશ્વાર્થ પણે સેવા કરવાની એના સિવાય બીજી કોઈ ઈચ્છા ના હોય. બીજુ અમારે ભગવાનની ભક્તિ કરવાની હોય એટલે એમાં અમારે જોડાઈ જવાનું હોય. આજે આપણે પોતાનો મહિમા સમજીએ છીએ અને બીજાનો દોષ જોઈએ છીએ આ એક કમનસીબી છે. પણ અમારે તો સંતપુરૂષો સાથે ધાર્મિક સ્થળો તેમજ મંદિરોમાં જવાનું અને બીજાનો મહિમા અને પોતાનો દોષ જોવાનો આજે લોકો આવું કરે તો આમુલ પરિવર્તન જોવા મળે. આજે તમે જુઓ તો સમગ્ર વિશ્વમાં લોકો બીજાના દોષો પર તૂટી પડે છે. જ્યારે પોતાનો દોષ ગમે તેવો હોય તો એને પંપાળે રાખે. આ એક આધ્યાત્મ નથી. આપણે જીવનમાંથી કામ, ક્રોધ, લોભ અને મોહ જેવા દુરાગ્રહોને દૂર કરવાના છે. આ નહીં થઈ શકે તો એને દૂર કરવા માટેની આપણે પ્રેક્ટિસ પણ કરવાની છે. જેની પાસે ભક્તિ છે એનામાં તમામ પ્રકારની દિવ્યતા આવે છે. જેમ કે એનામાં સદબુધ્દિ આવે, સારા કર્મો કરવાના વિચારો આવે, નમ્રતા, વિવેક જેવા સદગુણો આવે જેનાથી બીજા લોકોને એ વ્યક્તિમાંથી કંઈક પ્રેરણા મળે. આવા વ્યક્તિઓનું જીવન બદલાઈ જાય છે. અને તેનો સ્વભાવ પણ હંમેશા બદલાયેલો જોવા મળે છે. તે એક સજ્જન સાધુની જેમ જીવન જીવનારો બને છે. એટલે આપણે આ પ્રકારનો એક સત્સંગ કરવા ભેગા થયાં છીએ. એટલે અહીં જે લોકો છે તે બધાની સારી ભાવના હોય જ એટલે હું અહીં પધારવા બદલ બધાને ધન્યવાદ આપું છું. આપણે હાલમાં જેવો સત્સંગ કરીએ છીએ એવો સત્સંગ હંમેશા કરતાં રહેવું એવી હું આપ સૌને પ્રાર્થના કરૂ છું.
આ સત્સંગ સંધ્યામાં પૂ. મહંત સ્વામીએ ગરવી ગુજરાતના તંત્રી શ્રી રમણિકલાલ સોલંકી, એક્ઝીક્યુટીવ એડિટર શૈલેશ સોલંકી તેમજ શ્યામલ સોલંકી સહિતના ગરવી ગુજરાત પરિવારને આશીર્વાદ આપ્યા હતા. ગરવી ગુજરાતની નવી સાજસજાવટથી પણ તેઓ પ્રસન્ન થયા હતા. આ ઉપરાંત અન્ય અગ્રણી સંતોએ પણ ગરવી ગુજરાત પરિવારનું ભાવભીનું સ્વાગત કરીને આશીર્વાદ આપ્યા હતા. પૂ. ઇશ્વરચરણ સ્વામીએ પણ ગરવી ગુજરાતની કામગીરીને બિરદાવી હતી.
યુકેની અલ્ઝાઇમર્સ સોસાયટીને બીએપીએસ સંસ્થા દ્વારા 20,000 પાઉન્ડનું દાન
લંડનના શ્રી બીએપીએસ મંદિરમાં ગત તા. 26મી સપ્ટેમ્બરે પ.પૂ. મહંત સ્વામીની ઉપસ્થિતિમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાએ અલ્ઝાઇમર સોસાયટીને 20,000 પાઉન્ડનો ચેક અર્પણ કર્યો હતો. બીએપીએસ સંસ્થા દ્વારા યોજવામાં આવેલી વાર્ષિક 10k Challenge દરમિયાન આ ભંડોળ એકત્ર કરવામાં આવ્યું હતું. આ દાનનો ઉપયોગ યુકેની અલ્ઝાઇમર સોસાયટી દ્વારા ડિમેન્શિયા પીડિત દર્દીઓની સારવાર સહિતના વિવિધ ઉમદા હેતુસર કરવામાં આવનાર છે. 10k Challenge યુકેના જુદા જુદા શહેરો, નગરોમાં વસતા 4,000 જેટલા ઉત્સાહી સ્પર્ધકો વચ્ચે ચાલુ વર્ષના મે અને જૂન માસમાં ખેલાઇ હતી. આ સ્પર્ધાનો હેતુ પણ સ્વાસ્થ્યપ્રદ રીતે ભંડોળ ઉભુ કરવાનો હતો. ઉલ્લેખનીય છે, યુકેમાં ડિમેન્શિયા રોગ સર્વાધિક મોતનું કારણ છે અને ચાલુ વર્ષે નેશનલ ચેરિટી પાર્ટનર તરીકે અલ્ઝાઇમર સોસાયટીની વરણી થઇ છે.
દરમિયાન, બીએપીએસ સંસ્થાએ આપેલા આ દાનનો અલ્ઝાઇમર્સ સોસાયટી વતી સંસ્થાના ઓપરેશન્સ ડિરેક્ટર શ્રી ટીમ મેક્લઆને સ્વીકાર કર્યો હતો. આ સોસાયટી ઇંગ્લેન્ડ ઉપરાંત વેલ્સ અને ઉત્તરીય આયર્લેન્ડમાં પણ સેવાઓ આપે છે. 2000થી વધુ કર્મચારીઓ અને 9000 સ્વયંસેવકો થકી  સોસાયટી 1000 પ્રોજેક્ટ પર કાર્યરત છે. દાન આપવા માટે અલ્ઝાઇમર સોસાયટીની પસંદગી કરવા બદલ બીએપીએસ સંસ્થા અને વિશેષ કરીને પ.પૂ. મહંત સ્વામી પ્રત્યે ટીમ મેક્લઆને હાર્દિક આભારની લાગણી વ્યક્ત કરી હતી. ઉપસ્થિતોને સંબોધન કરતા તેમણે કહ્યું કે, 21મી સદીમાં ડિમેન્શિયા સર્વાધિક મૃત્યુનું કારણ બની રહ્યો છે ત્યારે આ રોગને થતો અટકાવવો તે જ તેનો અક્સિર ઇલાજ છે.
આ સંદર્ભમાં જાગ્રતિ આણવા તેમ જ દર્દી, દર્દીના પરિવાર પ્રતિનો અભિગમ, સારવાર, નવા સંશોધનો વગેરે અનેક આયામોમાં બીએપીએસ સંસ્થાએ આપેલુ આ દાન ઘણું ઉપયોગી નીવડશે. આપણે એવી આશા રાખીએ કે એક દિવસ આપણને આ દર્દનો ઇલાજ ચોક્કસ સાંપડશે.
બીએપીએસ સંસ્થાના અગ્રણી સ્વયંસેવક ડો. મયંક શાહે જણાવ્યું હતું કે, પ.પૂ. મહંત સ્વામીએ અન્યોને મદદ કરવાનો જે બોધ આપ્યો છે તેનાથી પ્રેરાઇને જ અમે આજે આ ભંડોળ એકત્ર કરી શકવામાં સફળ થઇ શક્યા છીએ.