ગુજરાતની લોકસભાની તમામ 26 બેઠકોના ઉમેદવારોની પસંદગી માટે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. જેમાં ગાંધીનગર સિવાયની બેઠકો પર સ્થાનિક આગેવાનોને ટિકિટ આપવા માટે રજૂઆતો આવી હતી. આ ઉપરાંત ગાંધીનગરની બેઠક પર નરેન્દ્ર મોદી અથવા તો અમિત શાહ ચૂંટણી લડે તેવી પણ રજૂઆત પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ આવી હતી. આમ હવે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં 26 બેઠકોની ઉમેદવારોની ચર્ચા બાદ આગામી દિવસોમાં પ્રદેશના નેતાઓ કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ ઉમેદવારોના નામો રજૂ કરશે. મુખ્યમંત્રી નિવાસસ્થાને મળેલી ભાજપની પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ઉમેદવારોની પસંદગી અંગેની અત્યાર સુધીની પ્રક્રિયા અને સ્થાનિક સ્તરેથી આવેલા નામો અંગેની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં સ્થાનિક આગેવાનોએ જે નામોની રજૂઆત કરી હતી તે નામો વાળા ઉમેદવાર ચૂંટણી જેટલા જીતવા માટે કેટલા સક્ષમ છે અને તેમની રાજકીય સફર અને તેમની નિષ્ઠાને ધ્યાનમાં રાખીને પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા ત્રણ નામોની પેનલ બનાવવામાં આવી છે આ પેનલ કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડમાં રજૂ કર્યા બાદ તેનો આખરી નિર્ણય કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ કરશે.