ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી ભાજપ-કોંગ્રેસે   કોઇ જ કસર બાકી રહી જાય નહીં તેના માટે એડીચોટીનું જોર લગાવવાનું શરૃ કરી દીધું છે. ચૂંટણી પૂર્વે પ્રચાર માટે ભાજપ એકસાથે ૩૦ રાષ્ટ્રીય કક્ષાના નેતાઓની એક જ દિવસે સભા યોજવાની તૈયારી કરી રહ્યું છે. આ અંગે હજુ સુધી કોઇ સત્તાવાર સમર્થન મળ્યું નથી. ભાજપ એકસાથે ૩૦ રાષ્ટ્રીય નેતાઓને કઇ તારીખે બોલાવશે તે અંગેની વિચારણા અંતિમ તબક્કામાં છે.  રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ-મુખ્યમંત્રીઓ એકસાથે ગુજરાતમાં સભા સંબોધવાના છે તેમાં રાજનાથ સિંહ, સ્મૃતિ ઇરાની, નીતિન ગડકરી, પીયૂષ ગોયલ, ધર્મેન્દ્ર પ્રધાન, પ્રકાશ જાવડેકર, યોગી આદિત્યનાથ, વસુંધરા રાજે, શિવરાજસિંહ ચૌહાણ, દેવેન્દ્ર ફડનવિસ, રમણસિંહ, મનોહર લાલ ખટ્ટરનો સમાવેશ થાય છે.  ચૂંટણીના બંને તબક્કાના નામાંકનની પ્રક્રિયા પૂરી થયા બાદ આ સભા યોજવામાં આવશે. આ તમામ નેતાઓ એક જ દિવસમાં અલગ-અલગ સ્થળે ઓછામાં ઓછી ત્રણ સભા સંબોધશે. આ નેતાઓને બીજા સ્થળે પહોંચવામાં સરળતા રહે તેના માટે ૧૫ થી ૨૦ હેલિકોપ્ટરનો પણ ઉપયોગ કરવામાં આવશે.