ગુજરાત ચૂંટણી પંચે છ મહાનગર પાલિકાઓની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે અને તા.૨ નવેમ્બરે જાહેરનામું બહાર પડતાં ઉમેદવારીપત્રો ભરાશે. આવતીકાલ તા. ૨૯ ઓક્ટોબરના રોજ સુપ્રીમ કોર્ટમાં મહાનગરપાલિકાની ચૂંટણી યોજાશે કે કેમ અને યોજાશે તો નિયત કાર્યક્રમ અનુસાર કે વિલંબથી તે ચિત્ર સ્પષ્ટ થશે. પરંતુ ભાજપા એ તા. ૨નવેમ્બરને ધ્યાનમાં રાખીને આજથી મહાનગરપાલિકાના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ કરી દીધી છે. જ્યારે કોંગ્રેસ આવતીકાલે સુપ્રીમ કોર્ટની રૂખ જાણ્યા પછી બપોર બાદ કાર્યવાહી હાથ ધરવાનું નક્કી કર્યું છે.

મુખ્યમંત્રીના નિવાસસ્થાને આજે બપોર બાદ વડોદરા મહાનગરપાલિકાના ઉમેદવારોની પસંદગી માટે બેઠક શરૂ થઈ હતી. ૧૯ વોર્ડના ૭૬ ઉમેદવારો અંગે લંબાણપૂર્વક ચર્ચા હાથ ધરાતાં રાત્રે ૮ વાગ્યા સુધી બેઠક ચાલી હતી.

વડોદરા શહેરમાં નિરીક્ષકો, પ્રભારી અને શહેર પ્રમુખ, મહામંત્રી તથા ધારાસભ્યો- સાંસદની હાજરીમાં દરેક વોર્ડમાંથી આવેલી રજૂઆતોના આધારે પેનલો તૈયાર કરવામાં આવી હતી. દરેક વોર્ડની પેનલના નામો અંગે વ્યક્તિગત ધોરણે તુલના કરવામાં આવી હતી. તેમના બાયોડેટામાં જે પણ ઉલ્લેખો થયા હોય તે અંગે પણ ચર્ચા દ્વારા ખરાઈ કરવામાં આવી હતી. પક્ષમાં સક્રિયતા, અન્ય પક્ષમાં ક્યારેય હતા કે નહીં, તે અંગે પણ સ્પષ્ટતા કરવામાં આવતી હતી. ભાજપના વડોદરાના એક અગ્રણીએ જણાવ્યું હતું કે આટલી ચીવટપૂર્વકની પસંદગી અગાઉ ક્યારેય થઈ નથી. આવતીકાલે સૌરાષ્ટ્રના ત્રણ મહાનગરો ભાવનગર, જામનગર અને છેલ્લે રાત્રે રાજકોટ મહાનગરપાલિકાના ઉમેદવારોની પસંદગી થશે. જ્યારે તા. ૩૦ ઓક્ટોબરના રોજ બે મોટા મહાનગરો સુરત અને અમદાવાદના ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.

LEAVE A REPLY