ગુજરાત વિધાન-સભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને ચૂંટણી પ્રચાર પરાકાષ્ઠાએ પહોંચી રહ્યો છે. કૉંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આગામી તા. ૨૪મીએ ફરીવાર ચૂંટણી પ્રચાર માટે આવી રહ્યા છે તો ભાજપ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને પણ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. બંને પક્ષો પોતાના સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઊતારવા તૈયારીઓ કરી રહ્યા છે ત્યારે ભાજપે પ્રચારની અનોખી તરકીબ અપનાવીને જાદુગરોનો આશરો લીધો છે. દરમિયાન જુદા જુદા જાદુગરો ગામડાઓમાં જાદુગરના ખેલ કરીને ભાજપનો પ્રચાર કરશે. સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપ દ્વારા વિધાનસભાની ચૂંટણી પ્રચાર માટે નાના-નાના જાદુગરોની ટીમ બનાવી છે. જાદુગરો દરેક ગામોમાં જાદુગરના ખેલ કરીને ભાજપનો પ્રચાર કરશે. ભાજપે પ્રચાર માટે આ અનોખી તરકીબ અપનાવી છે. દરમિયાન જાદુગરો જાદુના ખેલ સાથે ગુજરાતના વિકાસની વાતોથી ગામડાની પ્રજાને અવગત કરાવશે. ભાજપનો આ જાદુઈ ખેલ કેટલો સફળ થાય છે તેના પર આગેવાનો મીટ માંડીને બેઠા છે. અમિત શાહ રાહુલ ગાંધી વિશે બોલવા સિવાય કોઇ કામ કરતા નથી. ભાજપ આખી જ જાદુગરોની પાર્ટી છે, ખોટા વચનો આપવા સિવાય કોઇ કામ કરતી નથી, એવો આક્ષેપ કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ કર્યો હતો. રાહુલ ગાંધીએ ગુજરાતને પર્યટન સ્થળ માની લીધું છે, તેઓ દર ત્રણ દિવસે અહીં આવી જાય છે. મેં તેમના આટલા ભાષણો સાંભળ્યા, પરંતુ તેમનો મુદ્દો શું છે, એ જ નથી સમજાતું એવા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ભાવનગરમાં કરેલા આક્ષેપોનો જવાબ આપતા કૉંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહે સોંલકીએ વધુમાં જણાવ્યું તું કે, ભાજપના રાજમાં અનેક સૈનિકો માર્યા ગયા. મોટી મોટી વાતો કરનારા પીએમ આ મામલે ચૂપ છે. નેપાળ સાથેના સંબંધો પણ બગડી ગયા છે અને ચીનની સરહદે શું પરિસ્થિતિ છે, એ આપણે સૌ જાણીએ છીએ. આવી સ્થિતિ કૉંગ્રેસના શાસનમાં ક્યારેય જોવા મળી નથી. તેમણે કૉંગ્રેસની ઉમેદવારોની અંગે વાત કરતાં કહ્યું હતું કે, રણનીતિના ભાગરૂપે હવે ઉમેદવારોની યાદી છેલ્લી ઘડીએ જ જાહેર કરવામાં આવશે. કૉંગ્રેસે રવિવારે રાત્રે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી, જે પછી ચારે બાજુથી તેમણે ઉગ્ર વિરોધનો સામનો કરવો પડ્યો હતો. બીજી ૧૩ ઉમેદવારોની જાહેર કરાયેલી યાદીમાં જૂના યાદીના ચાર નામોનું પરિવર્તન પણ કરવામાં આવ્યું હતું. બીજા તબક્કામાં કૉંગ્રેસે છેલ્લી ઘડીએ નામ જાહેર કરવાની રણનીતિ નક્કી કરી હોય એમ લાગે છે. જોકે આવું બધું તો ચાલ્યા કરે, યાદી વહેલી જાહેર કરી દેવી જોઈએ તેમ અનેક લોકોનું માનવું છે.