વડાપ્રધાન ભૂતપૂર્વ વડાપ્રધાન અને દેશના સર્વોચ્ચ, ‘ભારત રત્ન’ ખિતાબથી સન્માનિત થયેલા અટલ બિહારી વાજપેયીનું ગુરૂવારે,16 ઓગસ્ટે સાંજે 5.05 કલાકે અવસાન થયું છે. તેઓ 93 વર્ષના હતા. બે મહિનાથી તેઓ નવી દિલ્હીની AIIMS હોસ્પિટલમાંસારવાર હેઠળ હતા. વાજપેયીજી છેલ્લાં 9 વર્ષથી બિમાર હતા અને છેલ્લા ઘણા સમયથી તો તેઓ ઘરમાં જ, પથારીવશ જેવી સ્થિતિમાં હતા. તેમનું ભાષણ સાંભળીને વિરોધી પણ ચૂપ થઈ જતા હતા, તે સરસ્વતી પુત્ર આજે કાયમ માટે મૌન થઈ ગયાં છે.

સદગતના માનમાં 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરાયો છે. અમેરિકાએ પણ વાજપેયીના નિધન અંગે શોક વ્યક્ત કર્યો છે.

છેલ્લે તેમને યૂરિનરી ટ્રેક્ટમાં ઈન્ફેકશન પછી 11 જૂને AIIMSમાં દાખલ કરાયા હતા. તેમની માત્ર એક જ કિડની કામ કરતી હતી. 30વર્ષથી અટલજીના અંગત ફિઝિશિયન ડો. રણદીપ ગુલેરિયાની દેખરેખ હેઠળ AIIMSમાં તેમની સારવાર ચાલતી હતી. બુધવારે રાત્રેAIIMS ના મેડિકલ બુલેટિનમાં જણાવાયું હતું કે અટલજીની તબિયત છેલ્લાં 24 કલાકમાં ઘણી જ બગડી ગઈ હતી. તેઓને લાઈફ સપોર્ટ સિસ્મટ ઉપર રખાયા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી આપેલી અંજલિમાં લખ્યું કે, “હું નિઃશબ્દ છું, શૂન્યમાં છું, પરંતુ ભાવનાઓનો જ્વાર ઉમટી રહ્યો છે. અમારા બધાંના શ્રદ્ધેય અટલજી આપણી વચ્ચે રહ્યાં નથી. આ મારા માટે અંગત નુકશાન છે. પોતાના જીવનની પ્રત્યેક પળ તેઓએ રાષ્ટ્રને સમર્પિત કરી હતી. તેમની વિદાય એ એક યુગનો અંત છે.

વડાપ્રધાન મોદી ઉપરાંત ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ, છ દશકા સુધી વાજપેયીના સાથી રહેલાં લાલકૃષ્ણ અડવાણી, ભાજપના અધ્યક્ષ અમિત શાહ, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, કેન્દ્રીય પ્રધાન રાજનાથ સિંહ, સુષ્મા સ્વરાજ, લોકસભા અધ્યક્ષા સુમિત્રા મહાજન, રાજસ્થાનના સીએમ વસુંધરા રાજે, સ્મૃતિ ઈરાની, સુરેશ પ્રભુ, જેપી નડ્ડા, મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણ, રામવિલાસ પાસવાન, ડો. હર્ષવર્ધન, જીતેન્દ્ર સિંહ, અશ્વનીકુમાર ચૌબે, જમ્મુ કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ફારૂક અબ્દુલ્લા, દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ, બસપાના પ્રમુખ માયાવતી અને અમર સિંહે AIIMS જઈ તેમની તબિયતની ભાળ મેળવી હતી.

વાજપેયીની તબિયતમાં સુધારો થાય તે માટે દેશભરમાં પ્રાર્થનાઓ પણ છેલ્લા બે દિવસમાં થઈ હતી.

વાજપેયી સૌથી પહેલા 1996માં 13 દિવસ માટે વડાપ્રધાન બન્યા હતા. બહુમતી મેળવી નહીં શકતાં તેમણે રાજીનામું આપી દીધું. બીજા વાર તેઓ 1998માં વડાપ્રધાન બન્યા હતા. એ વખતે, સમર્થન આપતા પક્ષોએ સમર્થન પાછું ખેંચી લેવાના કારણે 13 મહિના પછી તેમણે રાજીનામુ આપવું પડ્યું હતું અને 1999માં ફરી લોકસભા ચૂંટણી યોજાઈ હતી. 13 ઓક્ટોબર 1999ના રોજ તેઓ ત્રીજી વાર વડાપ્રધાન બન્યા. એ વખતે તેઓએ 2004 સુધી પોતાનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો હતો.

2014ના ડિસેમ્બરમાં અટલજીને દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ભારત રત્ન’ આપવાની જાહેરાત કરાઈ હતી. માર્ચ 2015માં તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ પ્રોટોકોલ તોડી અને અટલજીને તેમના ઘરે જઈ ભારત રત્નથી સન્માનિત કર્યા હતા.

પોતાના આગવી શૈલિના પ્રવચનો માટે ખૂબજ લોકપ્રિય બનેલા અને સૌમ્ય સ્વભાવના આ નેતાએ પોતાના શાસનકાળમાં અનેક ક્ષેત્રોમાં ધરખમ પરિવર્તનો કર્યા હતા, જેમાં ટેલિકોમ્યુનિકેશન્સ, એજ્યુકેશન તેમજ સરકારી કંપનીઓના ખાનગીકરણનો સમાવેશ થતો હતો. તેમની પહેલા સત્તામાં રહેલા કોંગ્રેસના પીઢ નેતા, વડાપ્રધાન સ્વ. પી. વી. નરસિંહરાવે શરૂ કરેલા આર્થિક સુધારાઓ અને ઉદારીકરણ માટે પણ વાજપેયીની એક સક્ષમ નેતા તરીકે ગણતરી થતી હતી. પડોશી પાકિસ્તાન તેમજ વિશ્વ સત્તા અમેરિકા સાથે ભારતના સંબંધો સુધારવા પણ વાજપેયી સતત પ્રયત્નશીલ રહ્યા હતા. જો કે, તેમનો સૌથી વધુ દુરોગામી નિર્ણય 1998માં પોખરણના અણુ ધડાકાઓનો હતો. પોતે સત્તામાં આવ્યાના ફક્ત બે મહિના પછી તેઓએ પોખરણમાં અણુ ધડાકાઓનો આદેશ આપ્યો હતો. એક ધડાકો કર્યા પછી સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો હતો અને ચોતરફ હોહા તથા સંયમની હાકલ વચ્ચે બે દિવસ પછી બીજા બે ધડાકા પણ કર્યા હતા.