ભારતીય વિકેટકીપર અને ભૂતપૂર્વ સુકાની મહેન્દ્રસિંહ ધોનીએ વર્લ્ડ કપની સાઉથ આફ્રિકા સામેની મેચમાં પોતાના વિકેટકીપિંગ ગ્લોવ્ઝ પર બલિદાન બેઝનું ચિહ્ન લગાવ્યું હતું જેની નોંધ લઈને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે તેને આગામી મેચમાં આ લોગો હટાવી દેવાની વિનંતી કરી હતી પરંતુ ભારતીય ક્રિકેટ બોર્ડે આ મામલે ધોનીની તરફેણ કરીને આઇસીસીની વિનંતી ફગાવી દીધી હતી. આમ છતાં ક્રિકેટની સર્વોચ્ચ સંચાલન સંસ્થાએ શુક્રવારે સાંજે મક્કમ વલણ અપનાવીને ધોનીને આગામી મેચમાં લોગો દૂર કરવાનો આદેશ કર્યો હતો. ધોની વતી બીસીસીઆઈએ આ લોગો જારી રાખવાની મંજૂરી માગી હતી જેને આઇસીસીએ ફગાવી દીધી હતી.

આઇસીસીના નિયમ મુજબ કોઈ પણ ક્રિકેટર તેના ગ્લોવ્ઝ કે અન્ય સાધનો પર કોઈ ધર્મના પ્રતિક સમાન કે રાજકારણથી પ્રેરિત અથવા તો મિલિટરી લોગો લગાવી શકે નહીં. બીસીસીઆઈની સુપ્રીમ કોર્ટે રચેલી સંચાલન સમિતિ (CoA)ના ચેરમેન વિનોદ રાયે ખાતરી આપી હતી કે આ લોગો મિલિટરી લોગો નથી તેમ છતાં આઇસીસીએ તેમની વાત માન્ય રાખી ન હતી.

આઇસીસીએ તેનો નિયમ આગળ ધરીને આ માટે મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો હતો. આઇસીસીના નિવેદન મુજબ મહેન્દ્રસિંહ ધોનીએ ગ્લોવ્ઝ પર ધારણ કરેલો લોગો મંજૂર નથી અને તેને દૂર કરવો જોઇએ. આઇસીસીની ઇવેન્ટ માટેના નિયમો આ માટેની પરવાનગી આપતા નથી. આ ઉપરાંત વિકેટકીપિંગ ગ્લોવ્ઝ માટે અમે મંજૂર કરેલા લોગોમાં ધોનીએ લગાવેલો લોગો સ્થાન ધરાવતો નથી. ક્રિકેટર માત્ર સ્પોન્સર્સનો લોગો જ લગાવી શકે છે. ધોનીના કિસ્સામાં તેના ગ્લોવ્ઝ પર અગાઉથી જ સ્પોન્સર SG નો લોગો છે જ.

અગાઉ શુક્રવારે સવારે આ વિવાદ વકર્યો હતો. એક તરફ ધોની આ બલિદાન બેઝ ધારણ કરી શકે નહીં તેમ કહીને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે આગામી મેચથી તેને હટાવી લેવા કહ્યું છે તો બીજી તરફ ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) આ મામલે ધોનીનું સમર્થન કરે છે અને તેમણે ધોનીનો પક્ષ લઈને આઇસીસી સમક્ષ રજૂઆત કરી હતી. એટલું જ નહીં લોગો હટાવવાની આઇસીસીની વિનંતી પણ બીસીસીઆઈએ ફગાવી દીધી હતી તેને બદલે તે જાળવી રાખવાની મંજૂરી આપવાની વિશ્વ ક્રિકેટની સંચાલન સંસ્થાને વિનંતી કરી હતી.

બોર્ડની સંચાલન સમિતિના ચેરમેન વિનોદ રાયે જણાવ્યું હતું કે ધોની એ લોગો ધારણ કરવાનું જારી રાખશે કેમ કે તે કોઈ મિલિટરી સિમ્બોલ નથી. સાઉથ આફ્રિકા સામેની પાંચમી જૂને રમાયેલી મેચ દરમિયાન વિકેટકીપર ધોનીએ પોતાના ગ્લોવ્ઝ પર ભારતીય પેરા ફોર્સના બલિદાન બેઝનું ચિન્હ લગાવ્યું હતું. આ ચિહ્ન ટીવી કેમેરાએ વારંવાર દર્શાવ્યું હતું. એટલું જ નહીં પરંતુ સોશિયલ મીડિયા પર તે વાયરલ થતાં આઇસીસીના ધ્યાનમાં આવ્યું હતું અને ક્રિકેટનું સંચાલન કરતી સર્વોચ્ચ સંસ્થા આઇસીસીએ તે હટાવી દેવાની ધોનીને આદેશ તો નહીં પરંતુ વિનંતી કરી હતી.

શુક્રવારે ભારતીય ક્રિકેટ બોર્ડે ધોનીનું સમર્થન કર્યું હતું. આઈસીસીએ બીસીસીઆઈને અપીલ કરી છે કે તે ધોનીના ગ્લોવ્ઝ પર લગાવવામાં આવેલા ચિન્હને હટાવી લે. આઈસીસીનું કહેવું છે કે નિયમો મુજબ કોઈ પણ અન્ય પ્રતિકવાળી વસ્તુઓ મેદાન પર પહેરી શકાય નહીં. જોકે બોર્ડની સંચાલન સમિતિ (CoA)એ ધોનીની તરફેણ કરી છે. તેના ચેરમેન વિનોદ રાયે આ મુદ્દે આઈસીસીને જવાબ આપી દીધો હતો.