ભારતની ફાર્મા કંપનીઓ લ્યુપીન, સન ફાર્માસ્યુટિકલ્સ અને ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સે અમેરિકાના બજારમાંથી વિવિધ કારણોસર તેમની ડ્રગ્સ તાજેતરમાં જ પાછી ખેંચી લીધી છે. અમેરિકન એફડીએના રિપોર્ટ મુજબ લ્યુપીને સ્વૈચ્છિક રીતે એન્ટિ-બેન્કેટરિયલ ડ્રગ સેફ્ટ્રીયેક્સોન 55,000 નાની બોટલ અને 1,60,241 બોક્સ પાછા ખેંચી લીધા છે. તેમાં રબર માલૂમ પડતા પાછી ખેંચાઈ છે. મધ્યપ્રદેશના મન્ડીદીપ પ્લાન્ટમાં આ દવા બની હતી. એ જ રીતે સન ફાર્માએ વેક્યુરોનિયમ બ્રોમાઈડની 1,39,180 નાની બોટલ પાછી ખેંચી છે. ગ્લેનમાર્કે પણ એસ્ટ્રાડિયોલ વેજાીનલ ઈન્સર્ટ્સ પ્રોડક્ટ પાછી ખેંચી છે.
ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડે કહ્યું છે કે તેણે અમેરિકાના બજારમાંથી તેની લોસાર્ટેન પોટેશિયમ ટેબ્લેટ્સની 16 બેચ સ્વૈચ્છિક રીતે પાછી ખેંચી લીધી છે. તેના એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઈનગ્રેડિયન્ટ(API)માં અનઅપેક્ષિત અશુદ્ધિ માલૂમ પડતા તેને પાછી ખેંચી લેવાઈ છે. હૈદરાબાદ સ્થિત હિટેરો લેબ્સ લિમિટેડ ખાતે તેનું ઉત્પાદન થયું હતું.
ટોરેન્ટ ફાર્માએ 22 જાન્યુઆરીએ યુએસએફડીએને આ અંગે વાકેફ કરી દીધું છે અને કહ્યું છે કે એપીઆઈમાં N-નાઈટ્રોસોડિઈથાઈલએમાઈન (NDEA) નામની અશુદ્ધિ માલૂમ પડી છે. NDEA કેટલાક ફૂડ, પીવાના પાણી, હવાના પ્રદૂષણ, ઔદ્યોગિક પ્રક્રિયામાં કુદરતી રીતે જ આવી જાય છે અને ઈન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર (IARC) દ્વારા તેને સંભવિત માનવીય કાર્સિનોજેન તરીકે ગણાવાયું છે.