ભારતીય મહિલા બોક્સર એમસી મેરીકોમ ગયા વર્ષે છઠ્ઠું વિશ્વ ચેમ્પિયનશિપ ટાઈટલ હાંસલ કરીને ઈન્ટરનેશનલ બોક્સિંગ એસોસિએશન (AIBA)ના રેકિંગમાં પ્રથમ સ્થાને પહોંચી છે. મણિપુરની આ બોક્સરે ગયા વર્ષે નવેમ્બર મહિનામાં દિલ્હીમાં યોજાયેલી વિશ્વ ચેમ્પિયનશીપમાં 48 કિલોગ્રામની કેટેગરીનો ખિતાબ હાંસલ કરી ઈતિહાસ સર્જ્યો હતો. AIBAની તાજા રેકિંગ પ્રમાણે મેરી કોમ પોતાની વેઈટ કેટેગરીમાં 1700 પોઈન્ટ્સ સાથે ટોચના સ્થાને છે.
મેરી કોમે 2020 ઓલિમ્પિક્સનું સપનું પૂરું કરવા 51 કિલોગ્રામમાં રમવું પડશે કારણકે 48 કિલો હજુ સુધી વેઈટ કેટેગરીમાં સામેલ કરાયું નથી. 3 બાળકોની માતા, 36 વર્ષની મેરી કોમે 2018માં શાનદાર દેખાવ કર્યો હતો. મેરી કોમે વર્લ્ડ ચેમ્પિયનશીપ ઉપરાંત કોમનવેલ્થ ગેમ્સ અને પોલેન્ડમાં યોજાયેલી ટુર્નામેન્ટમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. તેણે બલ્ગેરીઆમાં પ્રતિષ્ઠિત સ્ટ્રાન્ઝા મેમોરિયલમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો.