ભારતીય સેનાએ જમ્મુ-કાશ્મીર, પંજાબ, રાજસ્થાન અને ગુજરાતની એર ડિફેન્સ યુનિયને પાકિસ્તાન સાથે જોડાયેલી સરહદ પર તૈનાત કરવાનો નિર્ણય લીધો છે. બાલાકોટ એર સ્ટ્રાઇક બાદ બંને દેશો વચ્ચે વ્યાપી રહેલા તણાવને અનુલક્ષીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ તૈનાતીનો ઉદ્દેશ સરહદપારથી કોઇ પણ હવાઇ સૈન્ય કાર્યવાહીને પ્રભાવશાળી રીતે નિપટવાનો છે.
બીજી બાજુ બાલાકોટ હુમલાને બે મહિના કરતા પણ વધારે સમય વીતી ગયો હોવા છતાં પાકિસ્તાની સેનામાં તેનો ખૌફ છે જેને લઇને તેણે પોતાની સરહદ નજીક ભારે સંખ્યામાં સેનાની ટુકડીઓ તૈનાત કરી રાખી છે. સરહદ પાસેના વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ શકરગઢ સેકટરમાં લગભગ 300 ટેન્ક હજુ પણ તૈનાત છે.
26 ફેબ્રુઆરીએ ભારતીય વાયુસેનાએ બાલાકોટ સ્થિત જૈશ-એ-મોહમ્મદના સૌથી મોટા આતંકવાદી કેમ્પને નિશાન બનાવ્યો હતો. આ હુમલામાં મોટી સંખ્યામાં આતંકવાદીઓ માર્યા ગયા હતાં. ઇન્ડિયન એરફોર્સની આ કાર્યવાહી બાદ બંને દેશો વચ્ચેનો તણાવ અત્યંત વધી ગયો હતો. ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઇક બાદ પાકિસ્તાને PoK પાસે સરહદ પર પોતાની સેનાની સંખ્યા વધારી દીધી હતી. જોકે થોડા સમય બાદ સેનામાં કપાત કરવામાં આવી હતી પરંતુ હજુ પણ કેટલીક ટુકડીની વાપસી થઇ નથી.