કોવેન્ટરી અેન્ડ વોર્વિકશાયર ફેસ્ટિવલના ભાગરૂપે વોર્વિક મેન્યુફેક્ચરિંગ ગૃપ, ભારતીય કોન્સ્યુલેટના સહયોગથી યોજાયેલી કોન્ફરન્સને સંબોધતા પ્રોફેસર લોર્ડ કુમાર ભટ્ટાચાર્યએ જણાવ્યું હતું કે ટાટામોટર્સ જગુઆર લેન્ડ રોવર અને વોર્વિક મેન્યુફેકચરિંગના નિષ્ણાતો સાથે મળીને ભવિષ્યની કાર વિકસાવી રહ્યા છે. તથા હવે પછી શરૂ થનાર સેન્ટર ઇનોવેશન હબ બનીને વિશ્વ માટે નવા બેન્ચમાર્ક સ્થાપિત કરશે.
જગુઆર લેન્ડ રોવરના સીઇઅો પ્રોફેસર ડો. રાલ્ફ સ્પેથે જણાવ્યું હતું કે જગુઆર લેન્ડ રોવરને ટાટા પરિવારમાં સ્થાન આપવાની દીર્ધદૃષ્ટિ રતન ટાટાએ દસ વર્ષ પૂર્વે દર્શાવી હતી. ત્યારથી અત્યાર સુધીમાં જગુઆર લેન્ડ રોવરે વૈભવી, પ્રીમિયમ, કાર્યક્ષમતા મોરચે વૈશ્વિક સ્પર્ધકની ભૂમિક ભજવીને બ્રિટીશ ઇજનેરી કુનેહનો પરચો આપ્યો છે.
આવનારા પાંચ વર્ષમાં અોટોમોટીવ સેકટર છેલ્લા 50 વર્ષમાં નહીં જોયેલા ફેરફારો અનુભવશે તેમ જણાવતાં સ્પેથે ઉમેર્યું હતું કે જગુઆર લેન્ડ રોવર ડેસ્ટીનેશન ઝીરોમાં માને છે જેમાં ઝીરો અેમીશન, ઝીરો એક્સિડન્ટ, ઝીરો કન્જેશનને જ સ્થાન હશે અને તે દિશામાં પગરણ મંડાઇ ચૂક્યા છે તેનું પ્રથમ દૃષ્ટાંત વિશ્વની પ્રથમ ઇલેકટ્રીક એસયુવી – જગુઆર B આઇ પેસ છે.
યુરોપમાં સૌથી મોટી અોટોમોટીવ ટેકનોલોજી ફેસિલીટીમાં જે એલ આર ટાટા અને વોર્થિક મેન્યુફેક્ચરિંગના 150 મિલિયન પાઉન્ડના જંગી રોકાણની યાદ અપાવતાં ડો. રાલ્ફ સ્પેથે કોઇ પણ સાહસમાં જોડાણ જરૂરી ગણાવતા ઉમેર્યું હતું કે ભારત કૌશલ્યમાં અગ્રણી છે. વિશ્વના અન્ય કોઇ ભાગ કરતાં વધારે લાયક ઇજનેરો ભારતીયો છે. ભારતીય કૌશલ્ય અને અનુભવ આવનારા પરિવર્તન પચાવી શકવા સક્ષ્મ છે.
નવી દિલ્હીમાં બ્રિટીશ હાઇ કમિશનના ડેપ્યુટી ટ્રેડ અને ઇન્વેસ્ટમેન્ટ કમિશ્નર અમો કાલારે ભારત પ્રતિ વોર્વિક મેન્યુફેકચરિંગની પ્રતિબધ્ધતાને આવકારી હતી. ભારત અને બ્રિટનના વડાપ્રધાન મોદી અને થેરેસા મે એ એપ્રિલમાં જાહેર કરેલી ટેક પાર્ટનરશીપની યાદ અપાવતા કાલારે જણાવ્યું હતું કે દ્વિપક્ષી આર્થિક સહકારથી ભારતીય કંપનીઅોએ બ્રિટનમાં 1.1 લાખ રોજગાર પૂરા પાડ્યા છે.
ઇન્ડીયા અોટોમોટીવ કોમ્પોનન્ટ મેન્યુફેકચર્સ એશોસીએશનના વીની મહેતાએ જણાવ્યું હતું કે ભારતીય અોટો કોમ્પોનન્ટ ઇન્ડસ્ટ્રી 2025 સુધીમાં વિશ્વમાં ત્રીજી સૌથી મોટી ઇન્ડસ્ટ્રી બનવાના માર્ગે છે. ભારતીય અોટોમોટીવ સેક્ટર ભારતના જીડીપીમાં સાત ટકા અને મેન્યુફેકચરિંગ જીડીપીમાં 49 ટકા યોગદાન આપે છે.
કોવેન્ટરી એન્ડ વોર્વિકશાયર એલઇપીના ચેરમેન જોનાથન બ્રાઉનિંગ જણાવ્યું હતું કે કોવેન્ટરી એન્ડ વોર્વિકશાયર બ્રિટીશ અોટોમોટીવ ઇન્ડસ્ટ્રીના સેન્ટર સમાન બની ચૂકેલ છે. કંપની 46500 કર્મચારીઅોને રોજગાર આપે છે. અોટોમોટીવ સેકટરે છેલ્લા બે વર્ષમાં 12 ટકાથી વધારે વિકાસ જોવાયો છે. તેમણે નોંધ્યું હતું કે, ભારત સરકાર દ્વારા હાથ ધરાયેલી ‘મેક ઇન ઇન્ડીયા’ની પહેલથી બ્રિટીશ વેપારધંધાને ભારતમાં પ્રવેશનું પ્રોત્સાહન મળ્યું છે.
કાઉન્સલ જનરલ અમન પૂરીએ જણાવ્યું હતું કે ભારત અને બ્રિટીશ સરકાર દ્વારા વેપારધંધાને સમર્થન માટેના સહિયારા પ્રયાસ ઉપરાંત દ્વિપક્ષી વેપારને મજબૂતી પ્રદાન કરીને મૂડી રોકણ સંબંધો પણ ગાઢ બની રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે 2020 સુધીમાં ભારત ચોથું મોટું (ચીન અમેરિકા અને જાપાન પછી) અોટોમોટીવ ઉત્પાદક રાષ્ટ્ર બની જશે આ સંદર્ભમાં અમન પૂરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સાત cનો (કોમન કનેકટેડ, કન્વીનીયન્ટ કન્જેશન ફ્રી ચાર્જડ, ક્લીન, કટીંગ એજ) ઉલ્લેખ કર્યો હતો.
લંડન ખાતે ભારતીય કમિશનના સેકન્ડ સેક્રેટરી કિરણ ખત્રીએ એકસેસ ઇન્ડીયા પ્રોગ્રામની સફળતાને આગળ ધરતાં જણાવ્યું હતું કે આ કાર્યક્રમ બ્રિટીશ વેપારધંધાને ટેકો આપવા માટેનો જ કાર્યક્રમ છે.
ટેવા મોટર્સના સીઇઅો રીચાર્ડ લીડસ્ટોને એક્સેસ ઇન્ડીયા પ્રોગ્રામથી ભારતમાં વેપાર કરવા તેમને મળેલા સમર્થનની વાત કરી હતી. ફીક્કી યુકેના ડીરેકટર ડો. પરમ શાહે ભારતીય અોટોમોટીવ ઉદ્યોગને વૈશ્વિક વેરવિખેર સ્થિતિની અસર વર્તાવાનું શરૂ થઇ રહ્યું છે. કોન્ફરન્સમાં હાજર પ્રોફેસર લોર્ડ ભટ્ટાચાર્ય, પ્રોફેસર ડો. રાલ્ફ સ્પેથ, અમો કાલાર વિની મહેતા અને કીરણ ખત્રીની નિષ્ણાત પેનલે ભારત-બ્રિટન ભાગીદારી સંબંધો અંગે પૂછાયેલા પ્રશ્નોના ઉત્તર આપ્યા હતા.