ભારતના નાણા મંત્રાલયે તેના રિપોર્ટમાં કબૂલ્યું છે કે નાણાકીય વર્ષ 2018-19માં દેશનો આર્થિક વૃદ્ધિદર ધીમો પડ્યો છે. પ્રાઈવેટ કન્ઝમ્પ્શન ઘટવાને કારણે આમ થયું હોવાનું તેનું તારણ છે. નાણા મંત્રાલયે માર્ચ મહિના માટેના તેના માસિક આર્થિક રિપોર્ટમાં કહ્યું છે કે નાણાકીય નીતિમાં રેપો રેટ ઘટાડીને બેન્કની નાણાકીય તરલતા વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને એ રીતે અર્થતંત્રને ગતિ આપવાનો પ્રયાસ કરાયો હતો.
પ્રાઈવેટ કન્ઝમ્પશન, ફિક્સ્ડ ઈન્વેસ્ટમેન્ટમાં વધારો અને સાધારણ નિકાસ જેવા કારણો તેના માટે જવાબદાર છે.જાન્યુઆરી-માર્ચના ગાળામાં વાસ્તવિક અસરકારક એક્સચેન્જ રેટ નજીકના ભવિષ્યમાં નિકાસ ક્ષેત્રે વૃદ્ધિ સામે પડકાર બની શકે છે. બાહ્ય મોરચે કરંટ એકાઉન્ટ ડેફિસિટ(કેડ) માર્ચના ક્વાર્ટરમાં ઘટે તેવી શક્યતા છે, જે સ્થિતિ સુધારી શકે છે. રાજકોષીય ખાધ ખાસ પ્રયાસ વગર પણ ઘટી રહી છે અને લક્ષ્યાંકની આસપાસ રહી છે. 2018-19નો જીડીપી વૃદ્ધિનો અંદાજ 7 ટકા રહ્યો છે જે છેલ્લાં પાંચ વર્ષમાં સૌથી ઓછો છે. 2013-14માં તે 6.4 ટકા હતો, 2014-15માં 7.4 ટકા હતો, 2015-16માં 8.2 ટકા, 2016-17માં પણ 8.2 ટકા અને 2017-18માં 7.2 ટકા રહ્યો હતો. સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ(SCO)એ ફેબ્રુઆરીમાં ડિસેમ્બરના ક્વાર્ટરના નેશનલ એકાઉન્ટના ડેટા જાહેર કર્યા ત્યારે જ તેણે આ બાબતનો સંકેત આપી દીધો હતો અને 2018-19 માટે જીડીપી વૃદ્ધિદરનો અંદાજ 7.2 ટકાથી ઘટાડીને 7 ટકા કરી દીધો હતો.