એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એએઆઈ) દ્વ્રારા ભારતના અમદાવાદ સહિત છ એરપોર્ટ્સનું સંચાલન પીપીપી ધોરણે ખાનગી સાહસોને સોંપવા મંગાવવામાં આવેલી બિડ્સ સોમવારે (25) ખોલવામાં આવતાં અદાણી ગ્રુપે ખુલેલી પાંચેય બિડ્સમાં સૌથી વધુ ભાવની ઓફર સાથે પાંચ એરપોર્ટ્સના સંચાલનના હકો પ્રાપ્ત કર્યા છે. છઠ્ઠા, ગુવાહાટી (આસામ) એરપોર્ટની બિડ્સ મંગળવારે ખોલાશે. અદાણીએ ખાનગી બિડર તરીકે જે પાંચ એરપોર્ટ્સના સંચાલનના અધિકારો મેળવ્યા છે તેમાં અમદાવાદ, જયપુર, લખનૌ, થિરૂવનંથપુરમ અને મેંગલુરૂનો સમાવેશ થાય છે. 10 કંપનીઓ દ્વારા 32 ટેકનિકલ બિડ્સ રજૂ કરવામાં આવી હતી. તેમાંથી દર મહિને દરેક પેસેન્જર દીઠ સૌથી વધુ ફીની ઓફરમાં અદાણી ગ્રુપની ઓફર સૌથી વધુ – એગ્રેસીવ હતી. હવે તમામ વિધિઓ – પ્રક્રિયાઓ પુરી કર્યા પછી આ પાંચેય એરપોર્ટ્સનું સંચાલન અદાણી ગ્રુપને સોંપી દેવાશે. આ તમામ એરપોર્ટ્સ હાલમાં એએઆઈ હસ્તક છે. અમદાવાદ તથા જયપુર એરપોર્ટ્સ માટે સાત-સાત બિડ્સ રજૂ થઈ હતી, લખનૌ અને ગુવાહાટી એરપોર્ટ્સ માટે છ-છ બિડ્સ હતી, તો મેંગલુરૂ અને થિરૂવનંથપુરમ માટે ત્રણ-ત્રણ બિડ્સ હતી.