ભારતમાં ૧૮.૧૦ લાખ કંપનીઓ રજિસ્ટર્ડ છે અને તેમાથી ૬૧.૬ ટકા કંપનીઓ ઓક્ટોબરના અંતે કાર્યરત હતી, એમ કોર્પોરેટ અફેર્સ મિનિસ્ટ્રીના આંકડા દર્શાવે છે. સરકાર શેલ કંપનીઓ પર ત્રાટકી તેના પગલે આ વિગત બહાર આવી છે. આમ ઓક્ટોબરના અંતે ૧૮.૧૦ લાખ કંપનીમાંથી ૧૧.૬ લાખ કંપની સક્રિય હતી.
સક્રિય કંપનીઓ તેમની સામાન્ય ધંધાકીય પ્રવૃત્તિ કરે છે અને શેરબજારમાં નિયમિત રીતે સ્ટેટયુટરી ફાઇલિંગ કરે છે. અત્યાર સુધી એટલે કે ૩૧ ઓક્ટોબર સુધીમાં ૧૮.૧૦ લાખ રજિસ્ટર કંપનીમાંથી ૬.૪૭ લાખ કંપનીઓ બંધ કરી દેવાઈ છે અને ૧,૫૨૩ કંપનીઓ ડોર્મન્ટ તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે. આ સિવાય ૩૯,૭૩૬ કંપનીઓ બંધ થવાની સ્થિતિમાં છે તો ૬,૨૦૮ વેચાણાર્થે મૂકાઈ છે. સરકાર ત્રાટકી છે તેવી કુલ ૧૦૨ કંપનીઓ હાલમાં ફરીથી સક્રિય થવાની સ્થિતિમાં હોવાનું મંત્રાલયે જણાવ્યું હતું.
બંધ થયેલી ૬.૪૭ લાખ કંપનીઓમાંથી ૧૦,૫૭૪ કંપનીઓ વેચાઈ હતી અને છ લાખ કંપનીઓ બંધ થયેલી જાહેર કરાઈ હતી.
આ સિવાય ૨૧,૯૦૧ કંપનીઓ બીજી કંપનીઓ સાથે મર્જ કરવામાં આવી હતી, ૯,૫૬૫ કંપનીઓને લિમિટેડ લાયેબિલિટી પાર્ટનરશિપ (એલએલપી)માં રૂપાંતર કરવામાં આવી હતી જ્યારે ૪,૭૯૪ કંપનીઓ એલએલપીમાં રૂપાંતરિત થઈ હતી અને બાકીના વિખેરાઈ ગઈ હતી.