ફોર્ડ મોટર કંપની આગામી પાંચથી સાત વર્ષમાં ભારતમાં એક બિલિયન ડોલરનું વધારાનું રોકાણ કરે તેવી શક્યતા છે. કંપની સમગ્ર વિશ્વમાં તેની હાલની કામગીરીના રિસ્ટ્રક્ચરિંગના માર્ગે છે. ભારતીય પેસેન્જર વ્હિકલ માર્કેટ તાજેતરના વર્ષમાં સૌથી ધીમી વૃદ્ધિ નોંધાવી રહ્યો છે પરંતુ ફોર્ડ લોંગ ટર્મ વૈશ્વિક સ્ટ્રેટેજી માટે ભારતમાં રોકાણ કરવા માંગે છે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
ઓછામાં ઓછા 50 કરોડ ડોલરનું રોકાણ બે એસયુવી માટે કરાશે જે ફોર્ડના ભારત સ્થિત સેન્ટર દ્વારા વિકસાવાઈ રહી છે. આ ઉપરાંત પ્રોજેક્ટ બ્લેક પાછળ 40થી 50 કરોડ ડોલર રોકવામાં આવશે જેમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સાથે ભાગીદારી કરવામાં આવશે. બંને કંપનીઓએ ગયા મહિને સી – સેગમેન્ટની એસયુવી માટે યોજના જાહેર કરી હતી.
ફોર્ડ અત્યારે બે માર્ગીય વલણ અપનાવી રહી છે. તેમાં તેની પોતાની કામગીરી તથા મહિન્દ્રા સાથે ભાગીદારી સામેલ છે. બે એસયુવીને BX744 અને BX 745 નામ અપાયું છે અને તેને અનુક્રમે 2021 અને 2022માં લોન્ચ કરાશે. 744 એ ચાર મીટરથી ઓછી લંબાઈનું એસયુવી છે જ્યારે 745 એ ચીન, બ્રાઝિલ અને ભારત માટે વૈશ્વિક પ્રોજેક્ટ છે.
તે હ્યુન્ડાઇ ક્રેટા અને રેનો ડસ્ટરને પડકારવા માંગે છે. છેલ્લાં કેટલાંક વર્ષથી ભારતમાં ફોર્ડનું વોલ્યુમ 80,000થી એક લાખ યુનિટ પર સ્થિર છે. પરંતુ તેની નિકાસ જળવાઈ રહી છે જેથી તામિલનાડુ અને ગુજરાતમાં સાણંદ સ્થિત પ્લાન્ટનો યોગ્ય ઉપયોગ થાય છે. આમ છતાં તેની પાસે નોંધપાત્ર પ્રમાણમાં સરપ્લસ ક્ષમતા છે.