ભારતનો આર્થિક ગ્રોથ ધીમો થઈ રહ્યો હોવાના ડેટા એક પછી એક આવી રહ્યા છે. આઇઆઇપી, કોર ગ્રોથ કે જીડીપી ગ્રોથના આંકડા પછી હવે વીતેલા વર્ષ દરમિયાન વિદેશી સીધું રોકાણ એટલે કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (એફડીઆઇ) છ વર્ષમાં પહેલીવાર ઘટ્યું હોવાનું નોંધાયું છે.
2018-’19માં એફડીઆઇ એક ટકા ઘટીને 44.37 અબજ ડોલર હતું જે 2017-’18માં 44.85 અબજ ડોલર હતું. ટેલિકોમ, ફાર્મા અને અન્ય સેક્ટરમાં વિદેશી રોકાણ પ્રવાહમાં થયેલા ઘટાડાની આ અસર હતી એમ સત્તાવાર ડેટામાં જોવાયું છે.
દેશમાં એફડીઆઇ પ્રવાહમાં ઘટાડો થવાની ઘટના છેલ્લે 2012-’13માં નોંધાઈ હતી જ્યારે 36 ટકા ઘટીને 22.42 અબજ ડોલરના સ્તરે હતું જે તેના આગળના નાણાવર્ષ 2011-’12માં 35.12 અબજ ડોલર હતું.
વૈશ્વિક સ્તરે આર્થિક ગ્રોથ ધીમો થવાની અને વેપાર અસ્થિરતાની અસર પણ થઈ હતી. છેલ્લાં છ વર્ષથી એફડીઆઇમાં સતત ગ્રોથ નોંધાયો હતો જેને ગયા વર્ષમાં બ્રેક લાગી હતી. ડેટા અનુસાર, એફડીઆઇનો પ્રવાહ ટેલિકોમ્યુનિકેશન, કન્સ્ટ્રક્શન ડેવલપમેન્ટ, ફાર્માસ્યુટિકલ્સ અને પાવર સેક્ટરમાં નોંધપાત્ર ઘટ્યો હતો અને તેની અવળી અસર થઈ હતી. આ ઉદ્યોગોની વિપરીત સ્થિતિની અસર પણ રોકાણ પ્રવાહ પર થઈ હતી.
2018-’19માં ટેલિકોમ્યુનિકેશનમાં રોકાણ ઘટીને 2.67 અબજ ડોલરનું થયું હતું જે આગલા વર્ષે 6.21 અબજ ડોલર હતું. તેવી જ રીતે કન્સ્ટ્રક્શન ડેવલપમેન્ટમાં ઘટીને 2,130 લાખ ડોલરનું આવ્યું હતું જે આગલા વર્ષે 5,400 લાખ ડોલર હતું. ફાર્માસ્યુટિકલ્સમાં ઘટીને 2,660 લાખ ડોલર રહ્યું હતું જે અગાઉના વર્ષે એક અબજ ડોલર હતું. જ્યારે પાવર સેક્ટરમાં રોકાણ પ્રવાહ ઘટીને 1.1 અબજ ડોલરનો હતો જે આગલા વર્ષે 1.62 અબજ ડોલર હતો.
જે સેક્ટરમાં એફડીઆઇ પ્રવાહમાં ગ્રોથ જોવાયો હતો તેમાં સર્વિસમાં 9.15 અબજ ડોલર, કોમ્પ્યુટર સોફ્ટવેર અને હાર્ડવેરમાં 6.41 અબજ ડોલર, ટ્રેડિંગમાં 4.46 અબજ ડોલર અને ઓટોમોબાઇલમાં 2.62 અબજ ડોલર આવ્યો હતો. વધુમાં ગયા નાણાવર્ષે સૌથી વધુ રોકાણ પ્રવાહ આકર્ષવામાં સિંગાપોરે એફડીઆઇમાં મોરેશિયસને પાછળ પાડ્યું હતું.
સિંગાપોરમાંથી 16.22 અબજ ડોલરનું રોકાણ આવ્યું હતું, જ્યારે ભારતમાં મોરેશિયસથી એફડીઆઇ 8 અબજ ડોલરનું આવ્યું હતું. અન્ય મુખ્ય દેશોમાં જાપાન, નેધરલેન્ડ, યુકે, યુએસ, જર્મની, સાયપ્રસ, યુએઇ અને ફ્રાન્સ રહ્યા હતા જ્યાંથી એફડીઆઇનો પ્રવાહ આવ્યો હતો. ભારતમાં ઇન્ફ્રાસ્ટ્રકચર ગ્રોથને આગળ વધારવા માટે એફડીઆઇ મહત્ત્વનો રોકાણ પ્રવાહ છે જે છેલ્લાં કેટલાંક વર્ષોથી એકસરખો આવી રહ્યો છે. વિદેશી સીધા રોકાણ પ્રવાહમાં થનારો ઘટાડો દેશના બેલેન્સ ઓફ પેમેન્ટ અને રૂપિયાના વેલ્યૂ પર અવળી અસર કરી શકે છે.