ભારતમાં 347 ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ તેમના નિર્ધારીત સમય કરતાં વધારે સમયથી ચાલી રહ્યા છે અને તેને કારણે 3.20 લાખ કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ થયો છે. આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય 150 કરોડ રૂપિયા અને તેનાથી વધુના દરેક પ્રોજેક્ટ પર નજર રાખે છે. તેના નવેમ્બર-2018ના રિપોર્ટ મુજબ કુલ 1,443 પ્રોજેક્ટનો મૂળ ખર્ચ 18,30,362.48 કરોડ રૂપિયા નક્કી થયો હતો પરંતુ હવે તે વધીને 21,51,136.69 કરોડ રૂપિયા થઈ જશે.
આમ, કુલ 3,20,774.21 કરોડ રૂપિયા(મૂળ ખર્ચના 17.53 ટકા) વધારે ખર્ચ થઈ જશે. 1443 પ્રોજેક્ટ્સ પૈકી 347પ્રોજેક્ટમાં ખર્ચ વધ્યો છે અને 360માં નિર્ધારીત સમય કરતાં વધુ સમય લાગશે. 660 પ્રોજેક્ટમાં પ્રોજેક્ટ શરૂ ક્યારે થયો અને સંભવતઃ ક્યારે પૂરો થશે તેનો કોઈ ઉલ્લેખ જ કરાયો નથી. જે 360 પ્રોજેક્ટ વિલંબમાં પડ્યા છે, તે પૈકી 106 પ્રોજેક્ટમાં 1થી 12 મહિના સુધીનો વિલંબ થયો છે. 60 પ્રોજેક્ટ(17 ટકા)માં 1થી બે વર્ષ, 93 પ્રોજેક્ટમાં બેથી પાંચ વર્ષ અને 101 પ્રોજેક્ટમાં 5થી વધુ વર્ષનો વિલંબ થયો છે.