ભારતમાં સુપ્રીમ કોર્ટે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (SC-ST)ના અત્યાચાર રોકવા સાથે જોડાયેલા કાયદા(SC-ST એક્ટ)ની બંધારણીય માન્યતા જાળવી રાખવા સોમવારે આદેશ કર્યો છે. સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, જો મામલો પ્રથમ નજરે જ SC-ST એક્ટ અંતર્ગત ન લાગતો હોય તો ઓરોપીને આગોતરા જામીન મળી શકે છે અને ફરિયાદ પણ રદ થઈ શકે છે. એફઆઈઆર નોંધતા પહેલા શરૂઆતની તપાસ કે કોઈ ઉચ્ચ પોલીસ અધિકારીની મંજૂરીની જરૂર પણ પડશે નહિ.
બે વર્ષ પહેલા સુપ્રીમ કોર્ટે આ એક્ટ અંતર્ગત કેસ નોંધવા પર તાત્કાલિક ધરપકડ કરવા પ્રતિબંધ મુક્યો હતો. આ સિવાય આરોપીઓને આગોતરા જામીન આપવાની જોગવાઈ કરી હતી. પછી સરકારે કાયદામાં ફેરફારને બીજી વખત લાગુ કરવા માટે સંશોધન બિલ પાસ કરાવ્યું હતું. જસ્ટિસ અરુણ મિશ્ર, જસ્ટિસ વિનીત સરણ અને જસ્ટિસ રવીન્દ્ર ભટ્ટની બેન્ચે સોમવારે આ મામલામાં 2-1થી ચુકાદો આપ્યો હતો, એટલે કે બે જજ ચૂકાદાની તરફેણમાં હતા, જ્યારે અન્ય એક જજ તેમનાથી જુદું મંતવ્ય ધરાવતા હતા.
જસ્ટિસ રવીન્દ્ર ભટ્ટે ચૂકાદામાં જણાવ્યું હતું કે, દરેક નાગરિકે બીજા નાગરિકની સાથે સમાનતાનો વ્યવહાર કરવો જોઈએ. સાથે જ ભાઈચારને પ્રોત્સાહન આપવું જોઈએ. તેમણે કહ્યું, જો શરૂઆતના તબક્કે SC-ST એક્ટ અંતર્ગત કેસ બનતો નથી, તો કોર્ટ એફઆઈઆર રદ કરી શકે છે. આવા કેસમાં આગોતરા જામીનનો ખુલ્લો ઉપયોગ સંસદની ઈચ્છા વિરુદ્ધ હશે.
અગાઉ 20 માર્ચ, 2018ના રોજ સુપ્રીમ કોર્ટના બે જજની બેન્ચે આ એક્ટમાં ફેરફાર કર્યો હતો. ત્યારે કોર્ટે માન્યું હતું કે SC-ST એક્ટમાં તાત્કાલિક ધરપકડની વ્યવસ્થાના કારણે ઘણીવાર નિર્દોષ લોકોને જેલમાં જવું પડે છે. તેના પગલે કોર્ટે તાત્કાલિક ધરપકડ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ આદેશ મુજબ, કેસમાં વચગાળાના જામીનની જોગવાઈ હતી અને ધરપકડ પહેલા પોલીસે એક પ્રારંભિક તપાસ કરવાની રહેતી હતી.
પછી 9 ઓગસ્ટ, 2018ના રોજ આપેલા ચૂકાદાની વિરુદ્ધ દેખાવો બાદ ભારત સરકાર એક્ટમાં ફેરફાર લાગુ કરવા માટે સંસદમાં સંશોધિત બિલ લઈને આવી. બાદમાં સુપ્રીમ કોર્ટમાં સમીક્ષા અરજી દાખલ કરીને ચૂકાદા પર ફરીથી વિચાર કરવાની માગણી કરી હતી.