ટીમ ઈન્ડિયાના સુપરફેન ચારુલતા પટેલનું તા. 13 જાન્યુઆરી 2020ના રોજ 3 માસની બીમારી બાદ સાઉથ લંડનની ક્રોયડન યુનિવર્સીટી હોસ્પિટલ ખાતે નિધન થયું છે. તેમના જમાઇ રાજુભાઈ અમીને ‘ગરવી ગુજરાત’ને માહિતી આપતા જણાવ્યુ હતુ કે ચેસ્ટ ઇન્ફેક્શનને કારણે તેમને 22 ઑક્ટોબરના રોજ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તેમને સ્ટ્રોક આવ્યો હતો.  તેમનો જન્મ અને ઉછેર દારેસલામમાં થયો હતો. તેઓ ઉત્તરસંડાના વતની હતા અને સુણાવમાં તેમના લગ્ન થયા હતા. તેમની અંતિમક્રિયા તા. 20-1-2020 સોમવારના રોજ ઇસ્ટ ચેપલ, ક્રોયડન સીમેટ્રી અને ક્રીમેટોરીયન, મિચમ રોડ, CR9 3AT ખાતે થશે.

BCCIએ ટ્વિટ કરી તેમને શ્રદ્ધાંજલિ આપી છે. 87 વર્ષની ઉંમર હોવા છતા ઈગ્લેન્ડમાં યોજાયેલ ICC વર્લ્ડકપ 2019ની એક મેચમાં હાજર રહીને ક્રિકેટ ફેન ચારુલતા પટેલે ટીમ ઈન્ડિયાનો ઉત્સાહ વધાર્યો હતો. તેઓ વ્હીલચેર પર બેસી દરેક ચોગ્ગા અને છગ્ગા પર પીપુડા વગાડી ઉત્સાહ વધારી રહ્યાં હતાં. તેમને જોઇ વિરાટ કોહલી અને રોહિત શર્મા તેમને મળવા પહોંચ્યા હતા. તેમણે કહ્યું હતુ કે અમારી શુભેચ્છા ટીમની સાથે છે. જ્યારે 1983માં કપિલ દેવે અહીં વર્લ્ડ કપ જીત્યો હતો ત્યારે પણ હું અહીં હાજર હતી. ત્યારથી તેઓ સોશિયલ મીડિયામાં છવાઈ ગયા હતા અને ઘણા ચર્ચામાં રહ્યા હતા. તેમના નિધન બાદ #CharulataPatel કરીને લોકો ટ્વિટર પર તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.