ભારતીય ક્રિકેટ બોર્ડની સિલેક્શન કમિટિએ ગયા સપ્તાહે મંગળવારે એક જ દિવસમાં જુદી-જુદી છ ટીમોની જાહેરાત કરીને અનોખો રેકોર્ડ સર્જ્યો હતો.
પસંદગીકારોએ એક જ મિટિંગમાં અફઘાનિસ્તાન સામેની એક ટેસ્ટ મેચ, ઈંગ્લેન્ડ પ્રવાસ માટેની ટી-૨૦ અને વન ડે, આયર્લેન્ડ પ્રવાસ માટેની ટી-૨૦ની ટીમોની જાહેરાત કરી હતી. આ ઉપરાંત ઈંગ્લેન્ડ પ્રવાસ માટેની ઈન્ડિયા-એની બે ટીમોની જાહેરાત પણ કરાઈ હતી.
અફઘાનિસ્તાન સામે ઘરઆંગણે રમાનારી ઐતિહાસિક ટેસ્ટ મેચ માટેની ટીમનું સુકાન અજિંક્યા રહાણેને સોંપાયું છે. કાઉન્ટી ક્રિકેટમાં રમવાનો અનુભવ મેળવી કેપ્ટન કોહલી યુકેના પ્રવાસમાં ટીમ સાથે જોડાઈ જશે. કોહલી સહિતના સ્ટાર્સ આયર્લેન્ડમાં બે ટી-૨૦  પછી ઈંગ્લેન્ડમાં ટી-૨૦ અને વન ડે શ્રેણી રમવા પહોંચશે.
વિશ્વના સૌથી ધનાઢ્ય ક્રિકેટ બોર્ડે તેના ઈતિહાસમાં કદાચ પહેલી વખત એક સાથે આટલી બધી ટીમોની જાહેરાત કરીને અનોખો રેકોર્ડ સ્થાપિત કર્યો હતો. ઈંગ્લેન્ડના પ્રવાસને ધ્યાનમાં રાખીને ભારતીય ક્રિકેટ બોર્ડે કેપ્ટન કોહલી સહિતના કેટલાક ટોચના ખેલાડીઓને અફઘાનિસ્તાન સામે ઘરઆંગણે રમાનારી એકમાત્ર ટેસ્ટમાં આરામ આપવાનો નિર્ણય લીધો છે. કોહલીની ગેરહાજરીમાં અજિંક્યા રહાણેને સુકાની પસંદ કરાયો છે. જો કે તેને વન ડે, ટી-20 ટીમમાંથી પડતો મૂક્યો છે.