ભારતીય ક્રિકેટ ટીમ રાંચી ખાતેની ત્રીજી વન-ડેમાં ટીમ ઈન્ડિયાના યુનિફોર્મમાં કેપમાં ફેરફાર કરી લશ્કર તથા અર્ધલશ્કરી દળોના જવાનો જેવી કેમોફલાજ કેપ પહેરી મેદાનમાં ઉતરી હતી, તેને વિવાદનો મુદ્દો બનાવવાના પાકિસ્તાની ક્રિકેટ બોર્ડના પ્રયાસો ઉપર આઈસીસીએ ઠંડું પાણી રેડી દીધું હોવાનું જાણવા મળે છે. જો કે, રવિવારે ભારતના અગ્રણી અંગ્રેજી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને મળેલી માહિતી મુજબ આઈસીસીની સીઈઓ ડેવ રીચાર્ડસન પાસેથી ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે આ માટે મંજુરીની વિનંતી કરી હતી.
ભારતના ખેલાડીઓએ આવી રીતે બીજી કેપ પહેરી તે કઈં ઈન્ટરનેશનલ ક્રિકેટનો પહેલો કિસ્સો નથી. ઓસ્ટ્રેલિયન ટીમ પણ અગાઉ ચેરિટીના હેતુસર આ રીતે અલગ કેપ પહેરી મેચ રમી ચૂકી છે.
પણ, આ સ્પષ્ટતા આવી તે અગાઉ પાકિસ્તાનના વિદેશ પ્રધાન તેમજ માહિતી ખાતાના પ્રધાને એવા નિવેદનો કર્યા હતા કે, અલગ – આર્મીના જવાનો જેવી કેપ પહેરીને ભારતીય ટીમે ક્રિકેટની રમતમાં રાજકારણ ઘૂસાડવાનો પ્રયાસ કર્યો છે, તેની સામે પગલા લેવામાં આવવા જોઈએ, નહીં તો હવે પછી પાકિસ્તાની ટીમ ભારત દ્વારા કાશ્મીરમાં પ્રજા ઉપર કરવામાં આવતા જુલમના વિરોધમાં કાળી પટ્ટીઓ પહેરી મેચ રમવા મેદાનમાં ઉતરશે. વિદેશ પ્રધાન શાહ મહેમૂદ કુરેશીને ટાંકીને પાકિસ્તાની મીડિયાએ જણાવ્યું હતું કે, ભારતીય ક્રિકેટરો તેમના ટીમના ડ્રેસની કેપને બદલે મિલિટરી કેપ પહેરીને રમવા ઉતર્યા હતા. આઇસીસીએ આ જોયું?
પાકિસ્તાનના માહિતી ખાતાના પ્રધાન ફવાદ ચૌધરીએ ટ્વિટ કર્યું હતુ કે, આ કંઈ ક્રિકેટ નથી. ભારતીય ટીમ આમ કરવાનું બંધ નહિ કરે તો પાકિસ્તાન ક્રિકેટ ટીમે પણ કાશ્મિરમાં ભારતની કાર્યવાહી તરફ દુનિયાનું ધ્યાન ખેંચવા કાળી પટ્ટી બાંધીને ઉતરવું જોઈએ. તેમણે પાકિસ્તાન બોર્ડને આ મામલે ફરિયાદ કરવા અપીલ કરી હતી.