બેન્કોમાં બેઝલ ૩ માર્ગદર્શિકાઓનું પાલન કરવા માટેની સમયમર્યાદા લંબાવવાનો રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ની બોર્ડનો નિર્ણય જાહેર ક્ષેત્રની બેન્કો માટે ક્રેડિટ નેગેટિવ બની રહેશે એમ મૂડી’સ ઈન્વેસ્ટર્સ સર્વિસે ચેતવણી ઉચ્ચારી છે.આ ઉપરાંત તાણ હેઠળના માઈક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઈઝિસ (એમએસએમઈ)ની રૂપિયા ૨૫ કરોડ સુધીની લોન્સ રિસ્ટ્રકચર કરવાનો નિર્ણય પણ ભારતીય બેન્કોની ક્રેડિટ પ્રોફાઈલ ખોરવી નાખશે એમ રેટિંગ એજન્સીએ વધુમાં જણાવ્યું છે.
સરકાર સાથે વધી રહેલી તાણ વચ્ચે આરબીઆઈએ સોમવારની તેની બોર્ડ મીટિંગમાં એમએસએમઈને નાણાંનો પ્રવાહ વધારવા અને બેન્કો પર મૂડીના દબાણને હળવું કરવા અંગે ચર્ચા કરી હતી.
નવ કલાક સુધી ચાલેલી બોર્ડ મીટિંગમાં બોર્ડે સલાહ આપી હતી કે આરબીઆઈએ તાણ હેઠળની એમએસએમઈ માટે રિસ્ટ્રકચરિંગ સ્કીમ વિશે વિચારવું જોઈએ. જો કે આ રિસ્ટ્રકચરિંગ કેટલીક શરતોને આધીન થવું જોઈએ. જો કે આ પગલાંથી ભારતની બેન્કોની ક્રેડિટ પ્રોફાઈલ્સ પર નકારાત્મક અસર પડશે.
આરબીઆઈની બોર્ડે બેન્કો માટે મૂડી પૂર્તતાની જરૂરિયાત ૯ ટકા પર જાળવી રાખવાનો નિર્ણય કરવા સાથે મૂડી પૂર્તતાના અંતિમ તબક્કાનું પાલન કરવાની મુદત એક વર્ષ લંબાવીને ૩૧ માર્ચ ૨૦૨૦ કરી છે. મૂળ નિર્ણય પ્રમાણે આ પૂર્તતા માર્ચ ૨૦૧૯ પહેલા કરવાની રહેતી હતી. બેઝલ ૩ના સંપૂર્ણ અમલ માટેની મુદત લંબાવાતા તેની ભારતીય બેન્કો પર ક્રેડિટ નેગેટિવ અસર પડશે એમ પણ મૂડી’સ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવાયું છે. એમએસએમઈ લોન્સના રિસ્ટ્રકચરિંગ અંગે મૂડી’સે જણાવ્યું છે કે આવી એસેટ વર્ગીકરણનો છેલ્લા કેટલાક વર્ષોનો ટ્રેક રેકોર્ડ જોઈએ તો, તેઓ તેમની તાણને હળવી કરવામાં મોટેભાગે નિષ્ફળ રહી છે.
દેશની તાણ હેઠળની એમએસએમઈને રાહત પૂરી પાડવા સરકાર દ્વારા થયેલા દબાણને ધ્યાનમાં રાખી રિઝર્વ બેન્કનો આ નિર્ણય આવી પડયો હોવાનું માનવામાં છે. નાણાં વ્યવસ્થામાં લિક્વિડિટી વધારવા આરબીઆઈ પર સરકારનું સતત દબાણ થતું હતું જેને પરિણામે છેલ્લા કેટલાક સમયથી સરકાર અને આરબીઆઈ વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું હતું. સોમવારની બોર્ડ મીટિંગમાં સરકારની કેટલીક માગણીઓને આંશિક રીતે સ્વીકારીને રિઝર્વ બેન્કે સરકાર સાથેનું ઘર્ષણ હાલ પૂરતું ટાળવાનો પ્રયાસ કર્યો છે.